“શરીર તારું વિકલાંગ છે, તારું મન નહીં, પ્રેક્ટિસ કર.. તું ધારે તો બધું કરી શકે. તું એક ખેલાડી છે એન્ડ રિમેમ્બર... સ્પોર્ટસમેન નેવર ગિવ અપ..."
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
માત્ર માણસનું શરીર વિકલાંગ બને છે, જીવન જીવવાનું લક્ષ્ય ક્યારેય વિકલાંગ નથી બનતું!
માત્ર સાડા ચાર વર્ષની ઉંમરે પોલીયોગ્રસ્ત બની વિકલાંગ બની ગયેલાં વિષ્ણુ ચૌહાણને આવું કદાચ્ તેમના પિતા શિવનારાયણ ચૌહાણે કહ્યું નહીં હોય તો અનુભવાડ્યું તો હશે જ! તો જ દાહોદની ગોધરારોડ સ્થિત શ્રીરામ કોલોનીમાં રહેતા વિકલાંગ વિષ્ણુ ચૌહાણ, ૧૭ વર્ષ પૂર્વે મલેશિયાના કુઆલાલમ્પુર ખાતે યોજાયેલ વિકલાંગ ઓલિમ્પિક સુધી પહોંચીને ઉત્તમ પ્રદર્શન કરી શક્યાં હશે. અને એમેય તેમના પિતા શિવનારાયણ ઉર્ફે એસ. એન. ચૌહાણ, પણ પોતે રેલકર્મી હોવા સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે રમી ચુકેલાં ખેલાડી તરીકે સાબિત થઈ ચુક્યાં હતા. કબડ્ડી અને વોલીબોલના ખેલાડી હોવા ઉપરાંત રેફરી તરીકે પણ ભારતીય રેલમાં નોકરી સાથે રમતગમત ક્ષેત્રે પણ અદનું સ્થાન ધરાવતાં પિતાએ રાષ્ટ્રકક્ષાએ અનેક મેડલો અને સન્માનો મેળવ્યા છે.
હા, ર૦૦૬ ના વર્ષે મલેશિયાના કુઆલાલમ્પુર ખાતે આયોજિત થતી પેરા ડિસએબલ ઓલમ્પિક અર્થાત FESPIC ગેમમાં દાહોદ રેલ્વે વર્કશોપના વિકલાંગ રેલકર્મી વિષ્ણુભાઈ ચૌહાણે, ટેબલ ટેનીસ રમતમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી વિશ્વસ્તરે સાતમો ક્રમ મેળવ્યો હતો.
સાડા ચાર વર્ષની ઉંમરે અચાનક પોલિયોની બિમારીના કારણે વિકલાંગ બની ગયેલા વિષ્ણુ ચૌહાણને પણ પિતાને રમતાં જોઈ-જોઈને ચાનક ચઢતી ગઈ. એમેય વિષ્ણુભાઈ પોતે સ્કાઉટ & ગાઈડમાં સક્રિય હતા જ અને વિદ્યાર્થી અવસ્થામાં દાહોદની સેન્ટ સ્ટીફન્સ સ્કૂલમાંથી છૂટ્યા બાદ સાંજે જુનિયર રેલવે ઇન્સ્ટિટ્યૂટ જઈ પહોંચતા. ત્યાં રેલવેના અધિકારીઓ ટેબલ ટેનિસ રમતા તે જાય ત્યારે ટેબલ નવરા થાય એટલે બાદમાં વિષ્ણુભાઈ તેના ઉપર મોડે લગી પ્રેક્ટિસ કરતા. એમ ને એમ માસ્ટરી આવતી ગઈ અને દરમ્યાનમાં તેમને ૧૯૮૮ માં તત્કાલીન રાષ્ટ્રપતિ વેંકટરામનના હસ્તે સ્કાઉટ & ગાઈડ ક્ષેત્રે ઉમદાએ ભૂમિકા બદલ સન્માનિત કરાયા. દાહોદની નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના અભ્યાસના બીજા વર્ષે ૧૯૯૪ ના વર્ષે તેઓને દાહોદ રેલવેમાં નોકરી મળતાં કમાણી સાથે શોખ સંતોષાતો થયો.
પછી તો વિષ્ણુ ચૌહાણ, પોતાની ધગશથી રાજ્ય અને રાષ્ટ્ર સ્તરે યોજાતી વિવિધ સ્પર્ધાઓમાં ઝંપલાવતા થયા અને સફળતા પ્રાપ્ત થતી ગઈ. બેંગ્લોર ખાતે યોજાયેલ 8 મી સિનિયર ચેમ્પિયનશીપમાં ટેબલ ટેનિસમાં ત્રીજો ક્રમ મેળવવા સાથે રાષ્ટ્ર સ્તરે પેરા ઓલમ્પિકમાં પણ ત્રીજો ક્રમ મેળવ્યો. હેન્ડીકેપ્ટ વેલ્ફેર ફેડરેશન ગેમ નામે સ્પર્ધામાં રાષ્ટ્રકક્ષાએ પ્રથમ ક્રમ, ૨૦૦૫ માં આંધ્ર પ્રદેશ ખાતે યોજાયેલ ઓલ ઇન્ડિયા ક્રિકેટ એસો. ફોર ફિઝિકલ ચેલેન્જ નામે ક્રિકેટ સ્પર્ધામાં પણ તેઓને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરેલું.
૨૦૦૬ માં દાહોદના શેઠશ્રી ગિરધરલાલ સંસ્કાર કેન્દ્રએ દ્વારા 'પ્રતિભા એવોર્ડ' એનાયત થયો. ૨૦૦૭ માં દિલ્હી ખાતે યોજાયેલ 'ઓલ ઈન્ડિયા ઓપન હેન્ડિકેપ્ડ સ્પોર્ટ્સ મીટ'માં તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના હસ્તે સન્માનિત થયા. ૨૦૦૭ માં GSFC આયોજિત રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો. ૨૦૦૮ માં જ પેરા ઓલમ્પિક સમિતિ દ્વારા અમેરિકા ખાતે અને બાદમાં ઇઝરાયેલ ખાતે જવા માટેનું કાયદેસર કહેણ આવ્યું. પરંતુ, નાણાકીય અભાવ અને સમયની મારામારીના લીધે તેમને એ બંને તક ગુમાવવી પડી. ૨૦૧૦ માં બેંગ્લોર ખાતે યોજાયેલ સ્પર્ધામાં ત્રીજો ક્રમ પ્રાપ્ત થયો.
નોકરી સિવાયના સમયમાં હાલમાં તેઓ દાહોદના જે ખેલાડીને ટેબલ ટેનિસમાં રસ હોય તેમને નિ:શુલ્ક ટ્રેનિંગ આપે છે.
નવી પેઢી મોબાઈલની કૃત્રિમ આનંદ આપતી દુનિયામાંથી બહાર આવી મેદાન ઉપરની સાચી દુનિયામાં આવે અને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય કેળવે તેવી ઉમદા ભાવના ધરાવતા વિષ્ણુ ચૌહાણ, વર્ષોથી દાહોદનું ગૌરવ છે. અને ગઈકાલે નવરાશની પળોમાં તેમને મળી મનેય ગૌરવની લાગણી થઈ તેમાં કોઈ બેમત નથી.