ધાનેરામાં પ્રજાના હિત માટે વેપારીઓએ સ્વેચ્છાએ રસ્તા માટે જગ્યા બનાવી

ધાનેરામાં રેલ્વે ઓવર બ્રીઝ બનતાની સાથે વિવેકાનંદ સ્કુલથી બજાર જતા રસ્તા ઉપર નાના વાહનો સિવાય તમામ વાહન વ્યવહાર બંધ થવા પામ્યો હતો અને સરકાર દ્વારા રોડની બન્ને સાઇડમાં જમીન ગ્રાન્ટ ન કરવામાં આવતા લોકો હેરાન થતા હોવાથી વેપારીઓએ સ્વૈચ્છાએ પોતાની દુકાનો દુર કરીને રસ્તો પહોળો કરવા કામગીરી હાથ ધરી હતી. ધાનેરામાં નેશનલ હાઇવે દ્વારા પુલની ડીઝાઇન એવી બનાવી છે કે ધાનેરાના બે ભાગ પાડી દેવામાં આવ્યા છે. રેલ્વે ઓવર બ્રિઝ બનાવવામાં આવતા ડીસા તરફ રહેતા લોકોને બજાર આવવા માટે એક કી.મી. નો આંટો ખાવો પડી રહ્યો છે. તેમજ પુલ બનતા જે રેલ્વે સ્ટેશનથી બસ સ્ટેશન તરફના તમામ ધંધાઓ પણ પડી ભાંગ્યા છે. જે લોકો બહારથી આવતા હોત તે બારોબાર જતા રહેવાના કારણે લોકોની અવર જવર પણ બંધ થતાં તત્કાલિક ધારાસભ્ય નથાભાઇ પટેલે નેશનલ હાઇવે તેમજ સરકારને લેખીત રજુઆતો કરી હતી કે પુલની બન્ને સાઇડ નાના વાહનો સિવાય અન્ય વાહનો પસાર થાય તેમ નથી તો તે જમીન ગ્રાન્ટ કરીને પુલની બન્ને બાજુ રોડ બનાવવામાં આવે. જેથી વાહન વહેવાર ફરીથી આ રસ્તા ઉપર ચાલુ થાય અને લોકોને ફરીથી ધંધા પણ ચાલુ થાય. પરંતુ સરકાર દ્વારા કોઇ કાર્યવાહી ન થતાં પુલની બન્ને સાઇડના વેપારીઓએ પોતાની સ્વૈચ્છાએ પોતાની દુકાનો તોડીને રસ્તા પહોળા કરી રહ્યા છે અને સરકાર સામે ફિટકાર પણ વર્ષાવી રહ્યા છે. આ અંગે દુકાનદાર કરસનભાઇએ જણાવેલ કે આ રસ્તા ઉપર રોજના મોટી સંખ્યામાં વિધાર્થીઓની અવર જવર હોવાના કારણે અમારે સ્વેચ્છાએ અમારી માલીકીની જગ્યા હોવા છતાં દુકાનો તોડી ને રસ્તા માટે જગ્યા બનાવી છે પરંતુ આ ૧૫૬ સીટ લઇને મદમસ્ત બનેલી સરકાર દ્વારા કોઇ પ્રકારની જમીન ગ્રાન્ટ કરવામાં આવતી નથી. તેમજ ધારાસભ્યએ ચુંટણી પહેલા લોકોની સેવામાં રહેવાનો વાયદો કરેલ પરંતુ જીત્યા પછી ફોન કરીએ તો તેમના ફોન ક્યારેય ઉપાડતા પણ નથી.