૧૭ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ બનાસકાંઠાના રવેલ અને રાંટીલા ગામે પડેલી ઉલ્કાનો ભેદ ખૂલ્યો. આ ઉલ્કા દુર્લભ પ્રકારની છે અને ૧૭૦ વર્ષ પહેલાં ઉત્તરપ્રદેશના બસ્તી ખાતે મળી હતી. ઓબ્રાઈટ કહેવાતી આ ઉલ્કા ઓછા ઑક્સિજનવાળા વાતાવરણમાં કોઈ તોફાની અગ્નિકૃત અવકાશી પદાર્થનો ભાગ હોવાની શક્યતા છે. હાલમાં બુધ ગ્રહ પર આવું વાતાવરણ છે. એટલે આ ઉલ્કા એ ગ્રહનો હિસ્સો પણ હોઈ શકે. ગામ લોકો અને બનાસકાંઠા વહીવટી તંત્રના પ્રયાસોથી આ ઉલ્કાના નમૂના ફીઝીક્લ રિસર્ચ લેબના વિજ્ઞાનીઓ સુધી પહોંચ્યા. આ દુર્લભ ઉલ્કા અન્ય ગ્રહોના ઉદ્દભવ વિશે પ્રકાશ પાડી શકે છે.