અંબાજીમાં સોમવારની મોડી સાંજે સરા જાહેર માર્ગ પર અને બજારમાં આવેલ એક મેડિકલ સ્ટોરના સંચાલક ઉપર કેટલાક માથાભારે તત્ત્વોએ જીવલેણ હૂમલો કર્યો હતો. રોષે ભરાયેલા વેપારીઓ દ્વારા બુધવારે અંબાજી બંધનો નિર્ણય લેવાયો હતો. જોકે, પોલીસે સુરક્ષાની ખાત્રી આપતાં બંધ મુલત્વી રખાયો હતો. પોલીસે બે શખ્સોની અટકાયત કરી હતી. આ મેડિકલ આરોગ્ય મંત્રીના ભાઈની હોવાનું બહાર આવ્યું છે.

યાત્રાધામ અંબાજીમાં સોમવારે મોડી સાંજે બજારમાં આવેલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના ભાઇના જીતુભાઈના મેડીકલ સ્ટોર પર કેટલાક માથાભારે તત્ત્વો એ સામાન્ય બાબતમાં પત્થરમારો કરી હુમલો કર્યો હતો. જેને કારણે અંબાજીની બજાર માં ભારે ઉત્તેજના અને ભયનો ઓથાર સર્જાયો હતો. બીજી તરફ આ ઘટના વાયુ વેગે અંબાજી ધામમાં અને સોશિયલ મિડીયા માં છવાઈ જતાં પ્રજાજનો માં ભારે દહેશતનું મોજું ફરી વળ્યુ હતુ.

આ ઘટનાને લઇ અંબાજીના સમગ્ર વેપારીઓએ મંગળવારે સવારે મોટી સંખ્યામાં વેપારીઓ એકત્રિત થયા હતા.અને અંબાજીમાં ઘટેલ ઘટનામાં અસામાજિક તત્વોની અટકાયત કરવા,ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા,ઘટનાને વખોડી કાઢવા અને પ્રજા સહિત યાત્રિકોને સુરક્ષા કવચ પૂરું પાડવાની માંગ સાથે બુધવારે રોજગાર ધંધા બંધ રાખી પોલીસ મથકે ધરણાં સહિત આવેદનપત્ર આપવાનો નિર્ણય લીધો હતો.

 જોકે, પોલીસ દ્વારા ત્રણ ઘોડેસવાર પોલીસ, યાત્રાધામના ત્રણે માર્ગ પર કડક ચેકીંગ, પેટ્રોલિંગ સહિત વધારાનો સુરક્ષા સ્ટાફની વ્યવસ્થા ઉભી કરવાની ખાત્રી આપી હતી. એ સાથે કડક ચેકીંગ,પેટ્રોલિંગ કાર્યવાહી હાથ ધરતા બુધવારે બજાર બંધનું એલાન મુલત્વી રખાયું હતુ. ગુના માં સંડોવાયેલા ઘોડા ટાકનીના બે ઇસમોને પણ પોલીસે અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

અંબાજીમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો એ જાણે તીર્થધામને બાનમાં લીધું હોય તેમ ઘરફોડ ચોરીઓ, સહિત દારૂડિયાઓ જાહેર માર્ગ પર ત્રાસ સાથે મોર્નિંગ કે ઇવનિંગ વોક પર નીકળતા લોકો પર હુમલા અને મોબાઈલ અને ચેઇન સ્નેચીંગની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે પ્રજા ની સલામતી માટે અનેક સવાલો ઉભા થયા છે.

હુમલા બાદ અંબાજીમાં વેપારીઓએ બેઠક યોજી હતી.જેમાં પોલીસે સુરક્ષાની ખાત્રી આપતાં બુધવારે અંબાજી બંધનું એલાન મુલત્વી રખાયું હતું. બે શખ્સોની અટકાયત કરાઇ હતી.