બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે શ્રી ભીલડીયાજી જૈન તીર્થ આનંદ પરિવાર આયોજીત ત્રિવેણી સંગમ કાર્યક્રમનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં સુંદર આયોજન કરવામાં આવ્યું હતું..

પ્રાકૃતિક કૃષિ સંમેલનની સાથોસાથ આદર્શ બાળકોનું સુવર્ણ, રજત અને કાંસ્ય મુદ્રાથી સન્માન અને સંસ્કાર શાળાના પાઠ્યપુસ્તકનું વિમોચન એમ ત્રણ કાર્યક્રમોના ત્રિવેણી સંગમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં કુલ ૫૯ શાળાના ૬૧૦ બાળકોને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, રાજ્યપાલના હસ્તે 'માનવ જીવનનું બંધારણ’ સંસ્કાર પાઠ્યપુસ્તક નું વિમોચન કરવામાં આવ્યું હતું, આનંદ પરિવાર દ્વારા વિશેષ કાર્યો માટે અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા..

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી વિશે જણાવ્યું હતું કે, સરદાર કૃષિનગર દાંતીવાડા યુનિવર્સિટી ના એક રિસર્ચ પ્રમાણે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઓછું થતું નથી, જેમાં હળદરનું ઉત્પાદન રાસાયણિક ખેતી કરતા પ્રાકૃતિક કૃષિ દ્વારા બે ગણું વધુ થયું હતું..

આ કાર્યક્રમમાં કલેકટર વરૂણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, પ્રાંત અધિકારી, સરદાર કૃષિનગર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર આર.એમ.ચૌહાણ, પૂજ્ય ગુણિવર્ય કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ, પૂજ્ય મુનિરાજ જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબ, શ્રી વિજય તપોરત્ન સુરીશ્વરજી મહારાજ, શ્રી વિજય કુલરત્ન સુરીશ્વરજી મહારાજ, શ્રી હેમયશ વિજયજી મહારાજ સાહેબ, સંસ્કાર સંઘના સભ્યો, ભીલડીયાજી જૈન તીર્થ પેઢીના ચેરમેન ચંદ્રકાન્તભાઈ સંઘવી, આનંદ પરિવાર અગ્રણી સંયમભાઈ શાહ, અશોકભાઇ શેઠ, શાળાના બાળકો, પ્રચાર્યો, શિક્ષકો, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસરો, સરપંચઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા..