ડીસા કોર્ટ બિલ્ડીંગ આગળ અમદાવાદના વેપારીને ડીસાના બે વેપારી ભાઈઓએ પૈસાની ઉઘરાણીની લેતીદેતીના મામલે માર મારતા અમદાવાદના વેપારીએ ડીસા દક્ષિણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની વિગત એવી છે કે, અમદાવાદ જય મંગલ BRTS સામે સુરમ્ય ફ્લેટમાં રહેતા અને કાપડનો વેપાર કરતા વેપારી સુનિલકુમાર મુક્તિલાલ ઠક્કર ડીસા કોર્ટમાં તેઓની મુદત હોય ડીસા આવ્યા હતા. તેઓ દીપક હોટલથી કોર્ટમાં પહોંચતા હતા ત્યારે પાછળથી ડીસાના જૂના બસ સ્ટેશન આગળ ફૂટવેરની દુકાન ધરાવતા ભરતભાઈ દીપચંદભાઈ ઠક્કર અને યોગેશભાઈ દીપચંદભાઈ ઠક્કરે આવી તેઓને કહેલું કે 'તને 50,000 રૂપિયા આપ્યા હતા તે કેમ પાછો આપતો નથી અને ફોન ઉપાડતો નથી',

જેથી સુનિલભાઈએ કહેલું કે 'મેં તમને પૈસા આપી દીધા છે અને હજુ કેમ માગો છો' તેમ કહેતા બંને ભાઈઓએ તેઓ પર હુમલો કરી માર માર્યો હતો. જેથી કોર્ટ પાસે ઉભેલા ટોળાએ તેઓને છોડાવતા બંને ભાઈઓએ જતાં જતાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાબતે તેઓએ ડીસા શહેર દક્ષિણ પોલીસમાં બંને ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.