વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સુરેન્દ્રનગરના દૂધરેજમાં સભા સંબોધતી વખતે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણીમાં વિકાસની ચર્ચા થવી જોઈએ, પરંતુ કોંગ્રેસીઓ વિકાસની ચર્ચા કરવાના બદલે મને મારી ઓકાત બતાવવાની વાત કરે છે. અરે, તમે તો બધા રાજપરિવારના છો, હું તો એક સામાન્ય પરિવારનો છું, મારી કોઈ ઓકાત નથી. હું તો સેવક છું અને સેવક કે સેવાદારની ઓકાત થોડી હોય. અરે, તમે મને નીચ કહ્યો, નીચી જાતિનો કહ્યો, તમે મને મોતનો સોદાગર પણ કહ્યો, તમે મને ગંદી નાળીનો કીડો પણ કહ્યો અને હવે તમે ઓકાત બતાવવાનું કહો છો... અરે, અમારી કોઈ ઓકાત નથી, વિકાસના મુદ્દાની ચર્ચા કરો અને ગુજરાતને વિકસિત બનાવવા મેદાનમાં આવો. આ ઓકાત બતાવવાના ખેલ રહેવા દો.વડાપ્રધાને કહ્યું, આજે મારું સદભાગ્ય છે કે ઝાલાવડની ધરતી પર પહોંચતાં જ સંતોના આશીર્વાદ મળ્યા અને મને ભવ્ય વિજયની શુભકામનાઓ આપી હતી. જ્યાં જ્યાં મારી નજર પડે છે ત્યાં ત્યાં કેસરિયો સાગર દેખાય છે. આ જ બતાવે છે કે તમે ભાજપની સરકાર બનાવવાનું નક્કી કરી દીધું છે. આ વખતની ચૂંટણી અમે નથી લડતા, પરંતુ આ તો ગુજરાતની જનતા લડી રહી છે. આ ચૂંટણી નર્મદા જિલ્લાના વિરોધ કરવાવાળાને સજા મળે એ માટેની હોવી જોઈએ.PM મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે જેમણે ગુજરાતને તરસ્યું રાખ્યું હતું તેવા લોકોને ખભે હાથ મૂકીને નેતા યાત્રા કરે છે. ટેન્ડર માફિયાનું રાજ સુરેન્દ્રનગરે જોયું છે. મેં પહેલાં કહ્યું હતું કે નર્મદા યોજનાનો સૌથી વધુ લાભ જો કોઈ જિલ્લાને મળશે તો એ સુરેન્દ્રનગર જિલ્લાને મળશે. આજે એ લાભ મળી રહ્યો છે. મુખ્યમંત્રી હતો ત્યારે મેં નક્કી કર્યું હતું કે ગુજરાતને 24 કલાક વીજળી આપીશ. એ સમયે કોંગ્રેસના નેતાઓ કહેતા કે આ શક્ય જ નથી, પરંતુ મને અઘરાં કામ કરવા લોકોએ બેસાડ્યો હતો તેથી જ મેં 10 વર્ષ પહેલાં જ ગુજરાતનાં ગામે ગામે 24 કલાક વીજળી પહોંચાડી હતી.