શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં પરિક્રમા માર્ગ અને ગબ્બર તળેટી વિસ્તારને ચોખ્ખું ચણાક રાખવાના સંકલ્પ સાથે કામ કરતા સ્વચ્છતાકર્મીઓ

૧૫૦ કરતાં વધુ સફાઈ કામદારો સ્વચ્છતાના સેવાયજ્ઞમાં જોડાયા: પ્લાસ્ટિકમુક્ત પરિક્રમા અંતર્ગત અંબાજીમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો

અંબાજી ખાતે આયોજીત શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ માં યાત્રિકોની તમામ સુવિધાઓ અને સગવડો સચવાય એ પ્રકારની વ્યવસ્થાઓ અને આયોજન શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. પંચ દિવસીય આ મહોત્સવમાં ગુજરાત ભરમાંથી ખૂબ વિશાળ સંખ્યામાં માઇભક્તો પરિક્રમા કરવા માટે ઉમટી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને સ્વચ્છતા સમિતિના અધ્યક્ષશ્રી સ્વપ્નિલ ખરેની સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ શ્રી ૫૧ શક્તિપીઠ અને ગબ્બર તળેટી વિસ્તારને ચોખ્ખું ચણાક રાખવાના સંકલ્પ સાથે સ્વચ્છતાનો સેવાયજ્ઞ અવિરત ધમધમી રહ્યો છે.

શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંતર્ગત સમગ્ર પરિક્રમા માર્ગ અને અંબાજી યાત્રાધામને પ્લાસ્ટિકમુક્ત કરવાના સંકલ્પ સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા સ્વચ્છતા સેવાયજ્ઞની કામગીરીનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પ્લાસ્ટિકની બેગોના વિતરણ પર પ્રતિબંધ મુકવાની સાથે અંબાજીમાં કોઈપણ વેપારી દ્વારા પ્લાસ્ટિક ની બેગોનું વેચાણ ન થાય એ માટેની તકેદારી રાખી વેપારી એસોસિએશનને પણ સૂચના આપવામાં આવેલી છે. ૫૧ શક્તિપીઠ પરિક્રમા માટે વિશાળ સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી રહ્યા છે ત્યારે યાત્રાધામની પવિત્રતા અને સ્વચ્છતા જળવાય એ માટે સફાઈ કામદારો વહેલી સવારથી રાત્રીના એક વાગ્યા સુધી સ્વચ્છતાની કામગીરી નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે. 

ગબ્બર મુખ્ય ગેટ, ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહા આરતી સ્થળ, આર.ટી. ઓ સર્કલ, આબુરોડ તરફનો ગજદ્વાર, વિશ્રામ ગૃહથી શક્તિપીઠ સર્કલ, સિંહ દ્વાર અને મયુરદ્વાર સહિતના સ્થળોએ ૧૫૦ કરતાં વધુ સફાઈ કામદારો સ્વચ્છતાની જવાબદારી નિભાવી રહ્યા છે. તેમજ હાથ લારીઓ, ટેક્ટરો દ્વારા અંબાજી થી દુર નિયત કરેલ ડમ્પીગ સાઇડે કચરાના નિકાલની સુંદર કામગીરી કરી રહ્યા છે. સફાઈ કામદારોના આ સેવાયજ્ઞથી અંબાજી ચોખ્ખું ચણાક લાગી રહ્યું છે અને યાત્રિકો પણ સ્વચ્છતાના વખાણ કરી રહ્યા છે.