ડીસા તાલુકાના જુનાડીસા ગામે નવીન પોલીસ ચોકી બનાવાશે તેમજ તાલુકામાં દારૂ વેચાણની પ્રક્રિયા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ ડીસા તાલુકાના પોલીસ લોક દરબારમાં જીલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું.

બનાસકાંઠા જીલ્લા પોલીસ વડાનો ડીસા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા લોક દરબારમાં તાલુકાના આગેવાનો ગ્રામજનોએ વિવિધ પ્રશ્નોની રજૂઆતો કરતા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પ્રશ્નનોના નિરાકરણ કરતા ઉત્તર આપ્યા હતા. જેમાં ડીસા તાલુકાના જુનાડીસા ગામના આગેવાનોએ જુનાડીસા ખાતે પોલીસ ચોકી કાર્યરત કરવાની માંગ કરી હતી. જેથી પોલીસ વડાએ એક માસમાં પોલીસ ચોકી કાર્યરત કરવા જણાવ્યું હતું.

આ ઉપરાંત લોક દરબારમાં વિવિધ ગામોના સરપંચો આગેવાનોએ ઉપસ્થિત રહી ગ્રામ્ય કક્ષાએ પોલીસ સંબંધી પ્રશ્નોની રજૂઆતો કરી હતી. જેમાં ડીસા તાલુકાના ખરડોસણ ગામે આઇ માતા અને જોગણી માતાના મંદિરે પૂનમના દિવસે હજારો લોકો દર્શનને આવતા હોવાથી ચોરીના ખૂબ જ પ્રયાસો થતા હોવાથી પોલીસ બંદોબસ્ત મૂકવાની માગને પણ પોલીસવાળાએ સ્વીકારી હતી.

આ ઉપરાંત માલગઢ ગામમાં પોલીસ પોઇન્ટ મૂકવાની ગામના સરપંચે માંગ કરી લોકફાળાથી જગ્યા આપવાની પણ બાંહેધરી આપી હતી. જ્યારે ડીસા તાલુકાના ભદ્રામલી ધારીસણા ગામમાં દારૂ વેચાતું હોય દારૂડિયાનો ત્રાસ હોવાની પણ ગ્રામજનોને રજૂઆત કરતા પોલીસે તપાસ કરી કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી.લોક દરબારમાં વિવિધ ગામોના આગેવાનો સરપંચો ગ્રામજનોએ ડીસા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.પટણીની કામગીરી વખાણી હતી.