સમગ્ર ગુજરાતમાં બટાટાની નગરી તરીકે ઓળખાતા ડીસા શહેરમાં પણ બટાટાના વાવેતર બાદ થોડા સમય અગાઉ પડેલા કમોસમી વરસાદના કારણે બટાટાના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. ખાસ કરીને ડીસા પંથકના ખેડૂતોને બટાટાના પાકમાં વ્યાપક નુકસાન થતા ખેડૂતોને હવે પોતાના ખેતરો ખેડવાનો વારો આવ્યો છે.

હવામાન વિભાગની આગાહી બાદ બનાસકાંઠામાં થયેલા કમોસમી માવઠાના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. ખાસ કરીને તારીખ 27/11/2023ના રોજ બનાસકાંઠા જિલ્લામાં રાત્રિના સમયે શરૂ થયેલા કામોસમી વરસાદના કારણે જિલ્લામાં બટાટા એરંડા વરિયાળી સહિત શાકભાજીના પાકોમાં મોટું નુકસાન થવા પામ્યું હતું. જેમા ડીસા શહેરમાં પડેલા 48 mm જેટલા વરસાદના કારણે ખેતી પાકોમાં ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ડીસા પંથકમાં ખાસ કરીને સૌથી મોંઘી ગણાતી બટાટાની ખેતીમાં પણ વરસાદના કારણે મોટું નુકસાન થવા પામ્યું છે.

ડીસા પંથકમાં ખેડૂતોએ માવઠા પહેલા જે બટાટાનું વાવેતર કર્યું હતું તેમાં પાણી ભરાઈ જવાના કારણે બટાટાના કાપા સડી જવા પામ્યા હતા. જ્યારે ઉગેલા બટાટાના પાળાઓમાં પાણી ભરાઈ જવાના કારણે બટાટાના છોડનો વિકાસ ન થતાં તેમાં પણ નુકસાન થવા પામ્યું છે. જેથી ખેડૂતોને નાછૂટકે અત્યારે બટાટાનું વાવેતર ખેડી નવેસરથી વાવેતર કરવાની શરૂઆત કરવા મજબૂર બનવું પડ્યું છે. અત્યારે ખેડૂતો જે ખેતરમાં ચાલુ વર્ષે સારા ઉત્પાદનની આશાએ મોંઘાટ બિયારણો અને ખાતર લાવી ખેતરોમાં બટાટાનું વાવેતર કર્યું હતું. તે જ ખેતર હવે ખેડૂતો વરસાદના કારણે બટાટાના કાપા બગડી જતા ખેતર ટ્રેક્ટરથી ખેડવા માટે મજબૂર બન્યા છે.

મોટાભાગના ખેતરોમાં વાવેતરના સમયે જ ખેડૂતોને વરસાદ નડતા તમામ ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેથી વરસાદી પાણી ભરાઈ રહેતા ખેડૂતોના ખેતરમાં બટાટાનું બિયારણ સડી ગયું છે. જેથી હવે બટાટાનું વાવેતર કોઈ જ કામનું ન રહેતા હવે ખેડૂતો ટ્રેક્ટર વડે ખેતર ખેડી રહ્યા છે. આ બાબતે નવા વાવેતર માટે તાત્કાલિક સરકાર સર્વે કરી ખેડૂતોના વાહરે આવે તેવી હાલ ખેડૂતો માંગ કરી રહ્યા છે.

ડીસા તાલુકાના માલગઢ ગોગાઢાણી ગામમાં અસરગ્રસ્ત ખેડૂત ચોથાજી માળી અને કનૈયાલાલે જણાવ્યું હતું કે, કુદરતી પ્રકોપના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અગાઉ પણ કરા સાથે પડેલા વરસાદના કારણે ડીસા તાલુકામાં ખેડૂતોને શક્કરટેટી અને તરબૂચના પાકમાં મોટું નુકસાન થયું હતું, પરંતુ હજુ સુધી અનેક વાર રજૂઆત કરવા છતાં પણ કોઈ સહાય મળી નથી અને ફરીથી વરસાદના કારણે બટાટાના પાકમાં મોટું નુકસાન જોવા મળી રહ્યું છે. બટાટાની ખેતી આમ તો સૌથી મોંઘી ખેતી ગણાય છે એક વીઘામાં વાવેતર કરવું હોય તો અંદાજિત રૂપિયા 50,000 થી વધુનો ખર્ચ થતો હોય છે. ત્યારે હાલમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં બટાટા ખેડવા પડે તેવી નોબત આવતા લાખો રૂપિયાનું નુકસાન થયુ છે. ત્યારે ખેડૂતોને કોઈ જ પ્રકારની સહાય મળી નથી. જેથી સરકાર અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સરકાર સહાય કરે તેવી માગ કરવામાં આવી રહી છે.

આ બાબતે ઇન્ચાર્જ જિલ્લા નાયબ બાગાયતી અધિકારી એન.વી.પટેલે જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે ખેડૂતોને થયેલા નુકસાન બાબતે જે પણ ખેડૂતોની અરજી કચેરીએ આવી છે. તે તમામ ખેડૂતોના ખેતરે સર્વેની ટીમ મોકલી આપવામાં આવી છે અને આગામી સમયમાં હજુ પણ 14 તાલુકાઓમાં બાગાયતી ખેતીવાડીની 14 ટીમો બનાવી જે પણ ખેડૂતોની નુકશાનની અરજી જિલ્લા ખેતીવાડી અધિકારીની ઓફિસે આવશે. તે તમામ ખેડૂતોનું સર્વે કરી તાત્કાલિક સહાયની ચુકવણી કરવામાં આવશે.