ભારતીય સંસ્કૃતિમાં શિક્ષકોનું અદકેરું સ્થાન છે, જેમાં માતાપિતા બાદ શિક્ષણ આપી સંસ્કારોનું સિંચન કરતા હોવાથી બાળકોના જીવનમાં શિક્ષકોનું સ્થાન મહત્ત્વનું હોય છે. હાલ બદલાતા જમાનામાં શિક્ષણની પરિભાષા બદલાઇ છે, પરંતુ શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેનો પ્રેમનો નાતો હજુ પણ અંકબંધ છે. આમ, બાળકોને શિક્ષકો સાથે અનેરો નાતો બંધાઇ જતાં શિક્ષકોની બદલી થાય એ વેળા વસમી બની જતી હોય છે. એવી જ એક ઘટના સુરેન્દ્રનગરના થાનના સરોડી ગામે બની હતી.સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના સરોડી ગામની શાળાના શિક્ષક દંપતી વર્ષોથી શાળામાં અભ્યાસ કરાવી રહ્યાં હતાં. ત્યારે તેમની તાજેતરમાં અમદાવાદ ખાતે બદલી થઇ હતી, જેમના વિદાય સમારંભમા શાળાનાં બાળકો ને શિક્ષકો ભેટી પડી ચોધાર આંસુ સાથે વિદાય આપતાં માહોલ ગમગીન થઇ ગયો હતો.જ્યારે શાળાનાં બાળકો રમતગમત, સ્પર્ધાઓ, ઉત્સવની ઉજવણી અને અનેકવિધ રીતે અભ્યાસમાં મન પરોવતા શાળાએ આવતાં થયાં હતાં. જ્યારે શિક્ષક દંપતીના પ્રયાસોથી પ્રાથમિક શાળાની 8 વીઘામાં પથરાયેલાં 2000 જેટંલા વૃક્ષો ધરાવતી શાળા છે, જેમાં 450 બાળકની સંખ્યા સામે ત્રણ ગણી વૃક્ષોની સંખ્યા થઇ હતી. જેની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન તરફથી વર્ષ 2021માં ગુજરાતની જુદીજુદી શાળાના ગાર્ડનની વિગતો મંગાવી પાંચ શાળામાં થાનની સરોડી ગામની શાળાની પણ પસંદગી થઇ હતી.ગામમાં શિક્ષણક્ષેત્રે સેવા આપનાર દંપતીએ અનેક અવોર્ડ મેળવવા સાથે બાળકો અને ગામજનોમાં આગવું સ્થાન બનાવ્યુ હતું. ત્યારે કેતનભાઇ અને દીપ્તિબેનની અમદાવાદ અને શિક્ષક હિતેષભાઇ ઝાલરિયાની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં શાળાનાં બાળકો શિક્ષક દંપતીને ભેટી ચોધાર આંસુએ રડી પડ્યાં હતાં, આથી શિક્ષકો પણ પોતાનાં આંસુ રોકી શક્યા નહોતા.