આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક નિયામકની વિડિયો કોન્ફરન્સમાં મળેલ સૂચના અન્વયે સુરેન્દ્રનગર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જિલ્લાના તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર સાથે વિડિયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં સંભવિત બિપરજોય વાવાઝોડાને ધ્યાને લઈ જરૂરી વ્યવસ્થાનું આયોજન કરવા જણાવાયું હતું.આ વીડિયો કોન્ફરન્સમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ વેક્સિન માટે કોલ્ડ બોકસ રેડી રાખવા, જનરેટર અને એમ્બ્યુલન્સમાં પૂરતું ડીઝલ ભરી રાખીને ચાલુ કરી ચેક કરી લેવા, ડ્રેસિંગ મટીરીયલ, એન્ટી એપિડેમિક દવાનો સ્ટોક અને અન્ય દવાનો સ્ટોક પૂરતો રાખવા, પાણીની ટાંકી ભરેલી રાખવા, ઓક્સિજન બોટલ પૂરતા પ્રમાણમાં ભરેલી રાખવા, આશા બહેનો સુધી પ્રાથમિક અને બેઝિક દવાઓ પહોંચાડી દેવા અને નજીકમાં થનાર ( Near EDD) ડીલીવરી સગર્ભા માતાને આઇડેન્ટીફાઈ કરી નજીકના મમતા ઘર / CHC/ PHC સુધી લાવી દાખલ કરવા અને જો દાખલ ના થાય તો યોગ્ય બર્થ માઇક્રોપ્લાનિંગ કરી રાખવા બાબતે જરૂરી સૂચના માર્ગદર્શન આપ્યા હતા. વધુમા તમામ આરોગ્ય કર્મચારીઓને હેડક્વાર્ટર રહી ફરજ બજાવવા, પોતાના કાર્યક્ષેત્રનું સર્વેલન્સ કરી લેવા તેમજ કંટ્રોલ રૂમનાં સતત સંપર્કમાં રહેવા પણ જણાવાયું હતુ.