ડીસા-થરાદ હાઇવે પર ટ્રેક્ટરની ટ્રોલી પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતમાં કારચાલકને ગંભીર ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે.
ડીસા-થરાદ હાઇવે પર દામા ગામ પાસે સિમેન્ટની ઈંટો ભરેલું એક ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું. તે સમયે પાછળ પુરપાટ ઝડપે આવી રહેલા કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી.
ધડાકાભેર સર્જાયેલા અકસ્માતની ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવી રાહત કામગીરી શરૂ કરી ઇજાગ્રસ્ત વ્યક્તિને કારની બહાર નીકાળ્યો હતો. જ્યારે અકસ્માતની જાણ કરતા 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ તાત્કાલિક અકસ્માત બનાવ સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.