ડીસા-પાલનપુર હાઈવે પર વધુ એક ગાડીમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ચાલુ કારમાંથી ચાલકે સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા જાનહાની ટળી હતી. જ્યારે આ ઘટનામાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી.

જેમ જેમ ઉનાળાની ગરમી વધી રહી છે, તેમ તેમ વાહનોમાં આગ લાગવાની ઘટનાઓમાં પણ નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. બે દિવસ અગાઉ જ ડીસા-પાલનપુર હાઇવે પર એક ટ્રકમાં આગ લાગ્યા બાદ આજે વધુ એક ચાલુ કારમાં આગની ઘટના બની હતી. જેમાં એક અલ્ટો કાર ડીસા-પાલનપુર હાઇવે પરથી પસાર થઈ રહી હતી. તે સમયે અચાનક ચાલુ કારમાં આગ લાગી હતી. ઘટનાને પગલે કાર ચાલકે સમય સૂચકતા વાપરી કારમાંથી બહાર નીકળી જતા મોટી જાનહાની ટળી હતી.

ચાલુ કારમાં આગ લાગતા જ દોડધામ મચી ગઈ હતી. જ્યારે આ બનાવની જાણ થતા જ ડીસા નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ ફાયર ફાઈટરની ટીમ પહોંચે તે પહેલા જ કાર આગમાં સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. જેના કારણે કાર ચાલકને મોટું નુકસાન વેઠવું પડ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા દસ દિવસમાં ડીસા પંથકમાં ચાર વાહનોમાં આગ લાગી હોવાની ઘટના સર્જાઇ છે. જેમાં બે બાઈક, એક ટ્રક અને આજે વધુ એ કારમાં આગની ઘટના સર્જાઇ હતી.