લોકડાઉન દરમિયાન જ્યારે બધુ બંધ હતું અને તમાકુથી બનેલી વસ્તુઓ પર પ્રતિબંધ હતો, તે સમયે તમે ગુટખા, બીડી, સિગારેટ જેવી વસ્તુઓની ચોરીના કિસ્સા સાંભળ્યા હશે, પરંતુ આવી ઘટનાઓ હજુ પણ બની રહી છે. સુરતના બારડોલીમાં વિમલ ગુટખાની ચોરીની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં 8 જેટલા લોકોએ વિમલના ગોડાઉનમાં ઘૂસી ચોકીદારને બંધક બનાવી રૂ.10.50 લાખની કિંમતના વિમલ ગુટખાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વિમલ ચોરીની સમગ્ર ઘટના વેરહાઉસના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ સુરતના બારડોલીમાં કડોદરા ચાર રસ્તા પાસે જયંબે ટ્રેડર્સનું વેરહાઉસ આવેલું છે. સવારે ચાર વાગ્યાની આસપાસ આઠ તસ્કરોએ ગોડાઉનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો કાર લઈને વેરહાઉસમાં પહોંચ્યા હતા અને કારને વેરહાઉસની બહાર પાર્ક કરી હતી. આ દરમિયાન વેરહાઉસમાં હાજર ચોકીદારે તેને રોક્યો અને કાર પાર્ક કરવાનું કારણ પૂછ્યું. ત્યારબાદ તસ્કરોએ તેને બંધક બનાવી લીધો હતો.

આ પછી તસ્કરો ગોડાઉનમાં ઘૂસી ગયા હતા અને વિમલ ગુટખાની 42 બોરી અને 25 છૂટક પેકેટ ચોરી ગયા હતા. તસ્કરોએ વેરહાઉસની બહાર લગાવેલા સીસીટીવી કેમેરા પણ લાકડીઓ વડે તોડી નાખ્યા હતા. સવારે 10.50 લાખની કિંમતના વિમલ ગુટખાની ચોરી થયાની જાણ ગોડાઉનના માલિકને થતાં તેમણે કડોદરા પોલીસને આ અંગે જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી લેવા તપાસ શરૂ કરી હતી.