ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તેમજ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગબ્બર તળેટી ખાતે ગુજરાતના ખ્યાતનામ કલાકારોનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલાકાર પાર્થિવ ગોહિલ અને લોક સાહિત્યકાર સાંઈરામ દવેએ ઉપસ્થિત સૌ કોઈને ગીત સંગીતની રમઝટ બોલાવી મંત્રમુગ્ઘ કર્યા
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તેમજ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગબ્બર તળેટી ખાતે ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા યાત્રિકોના મનોરંજન અર્થે રાસ ગરબા, ગીત સંગીત અને ભક્તિરસના ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પરિક્રમા મહોત્સવના ત્રીજા દિવસે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલાકાર પાર્થિવ ગોહિલે પોતાના મખમલી અવાજમાં આરતી, સ્તુતિ, ગીત ગઝલો અને ફિલ્મી ગીતોની અદભુત પ્રસ્તુતિ કરી ઉપસ્થિત સૌને આનંદિત કરી દીધા હતા. ઓ રી સખી મંગલ ગાઓ, ઢોલીડા રે...મન મોર બની થનગાટ કરે.... ગીતની પ્રસ્તુતિમાં ઉપસ્થિત સૌ કોઈ ઝૂમી ઉઠ્યા હતા અને ગરબે રમવાનો આનંદ માણ્યો હતો.
જ્યારે પરિક્રમા મહોત્સવના ચોથા દિવસે પ્રખ્યાત લોક સાહિત્યકાર સાંઈરામ દવેએ લોકસાહિત્યની રસધાર વહાવી લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું. દેશભક્તિ, વીર રસ, શોર્ય ગાથાઓ, ભજન સંતવાણી અને લોકસાહિત્યની વાર્તાઓ દ્વારા સાંઈરામ દવેએ ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા.
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટીદાર સુશ્રી સિદ્ધિ વર્માએ પાર્થિવ ગોહિલ, સાંઈરામ દવે અને કલાકારવૃંદનું સ્વાગત કરી તેમને આવકાર્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગીત સંગીત રસિકો અને માઇભક્તો ઉપસ્થિત રહી સાંસ્કૃતિક કાર્યક્રમનો લ્હાવો લીધો હતો.