ડીસામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સાઈબાબા મંદિર પાસે રેડ કરી જુગારધામ પકડ્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં ટીમે જુગાર રમતા 12 શખ્સો સહિત 13 મોબાઈલ, 2 બાઈક, કેલ્ક્યુલેટર જુગારના હિસાબની ચિઠ્ઠીઓ અને જુગારના સાહિત્ય સહિત કુલ 2.3 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જે અંગે વધુ તપાસ ડીસા શહેર દક્ષિણ પોલીસ ચલાવી રહી છે.

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ બનાસકાંઠા જિલ્લામાં પ્રોહીબિશન અને જુગારની બદીને ડામવા માટે પેટ્રોલિંગમાં હતી. તે સમયે ડીસામાં જુગારધામ ચાલતું હોવાની માહિતી મળતા જ તપાસ શરૂ કરી હતી અને ડીસાના કોલેજ રોડ પર સાંઇબાબા મંદિર પાછળના દરવાજે આવેલા દુકાનોની પાછળના ખુલ્લા ભાગમાં રેડ કરતા જુગાર રમતા શખ્સોનું ટોળુ રંગેહાથ ઝડપાઈ ગયુ હતુ. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પૂછપરછ કરી તપાસ કરતા આ શખ્સો વરલી મટકાનો જુગાર રમતા હતા.

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની રેડમાં ઝડપાયેલા શખ્સો પાસેથી 13 મોબાઈલ, 2 બાઈક, કેલ્ક્યુલેટર, હિસાબની ડાયરીઓ, વરલી મટકાની આંકડાકીય માહિતી લખેલી હિસાબના કાગળો, જુગારનું સાહિત્ય અને રોકડ સહિત 2.3 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે ઝડપાયેલા 12 શખ્સોને ડીસા શહેર દક્ષિણ પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરી હતી.