ડીસા તાલુકાના નવા નેસડા ગામનો પ્રવિણસિંહ મનાજી રાઠોડ યુવાન આજથી ૨૩ વર્ષ અગાઉ અંદાજીત ૧૦ વર્ષની નાની ઉંમરે સર્કસમાં નોકરી કરવા ઘરેથી નીકળી ગયો હતો. અને સર્કસમાં નોકરી લાગી જતાં ૧૦ વર્ષ સુધી દેશના અનેક રાજ્યોમાં સર્કસમાં ફરતો રહ્યો હતો. પરંતુ ત્યારબાદ સર્કસનું કામકાજ બંધ થતાં ડ્રાઇવિંગના વ્યવસાયમાં જોડાયો હતો. તે દરમિયાન અકસ્માત સર્જાતા પ્રવિણસિંહ રાઠોડ તેની યાદશક્તિ ગુમાવી બેઠો હતો. અને કલકત્તા સ્થાયી થઈ ગયો હતો. તેવામાં પોતાના ઘર વિશે થોડી ઘણી યાદ આવતા પ્રવિણસિંહ રાઠોડે ગૂગલની મદદથી નેસડા ગામના સુરેશભાઈ નામના વ્યક્તિનો નંબર મેળવી તેમના કુટુંબીજનો અંગેની વિગતો મેળવી હતી. ત્યારબાદ ગુગલ મેપ દ્વારા ગામનું લોકેશન મેળવી ત્રેવીસ વર્ષ બાદ માદરે વતન ફરતા સમગ્ર ગામ દ્વારા આ યુવાનનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું.