ડીસામાં નવા બસ સ્ટેન્ડના ધાબા પર આજે વહેલી સવારે આત્મહત્યા કરેલી શંકાસ્પદ હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે ડીસા શહેર ઉત્તર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી વાલી વારસોને જાણ કરી હતી.
ડીસામાં નવા બસ સ્ટેન્ડમાં આજે વહેલી સવારે ધાબા પર એક યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. વહેલી સવારે ત્યાંથી પસાર થતા લોકોએ ધાબા પર યુવકનો મૃતદેહ જોતા જ બસ સ્ટેન્ડના સત્તાધીશો અને પોલીસને જાણ કરી હતી. ઘટનાને પગલે ડીસા શહેર ઉત્તર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ કરતાં યુવકે ધાબા પર આવેલી લોખંડની સીડીમાં ધોતિયા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
પોલીસે તપાસ કરતા તે સુઇગામનો મુકેશ ઠાકોર હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે તેના પરિવાર સાથે સંપર્ક કરતા તેનો પરિવાર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જેમાં મૃતક યુવકની માતા ગંગાબેન સાથે વાતચીત કરતા આ યુવક આ 25 વર્ષીય મુકેશ ઠાકોર એક સંતાનનો પિતા હોવાનું તેમજ તેને અન્ય યુવતી સાથે આડા સંબંધ હતા અને તેમાં તેને દગો ખાતા આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું. જો કે પોલીસે અત્યારે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.