વિસનગર : વિસનગર તાલુકાના બાજીપૂરા ગામની સીમમાં બે પક્ષો અમુક બાબતે બોલાચાલી થઇ હતી. જે બોલાચાલીમાં બન્ને પક્ષો સામ સામે આવી મારામારી કરતા બે વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમ બન્ને પક્ષો વચ્ચે મારામારી કરી લૂંટ પણ કરતા વિસનગર તાલુકા પોલીસ મથકમાં બન્ને પક્ષોએ સામ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આઠ શખ્સો સામે તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
તાલુકાના કંકુપૂરા ગોઠવા ગામના સેધાજી ઉર્ફે પકો જેસંગજી ઠાકોરની નોંધાવેલી ફરિયાદમાં તેઓ તારીખ 15/12/2022 ના રોજ તેમની કાર એસેસરીઝની દુકાનમાં હતા. તે દરમિયાન વિસનગરના ઠાકોર અશોકજી બદાજીએ વોટસએપ કોલ કરી કહ્યું કે, મારી ગાડીના એસેસરિઝના બિલના જે પૈસા બાકી છે, તે આપીને લઇ જાઓ. તેવું જણાવતા સેધાજી ઠાકોર તેમની સ્વીફ્ટ ગાડી નંબર જી.જે.02.સી.પી. 4535 લઈ પટેલ રાજ શૈલેષભાઈ અને ઠાકોર વિક્રમજી કાન્તિજી સાથે બાજીપૂરા ગામની સીમમાં આવેલ અશોકજીના ખેતરમાં ગયા હતા. જેમાં ત્રણેય જણાએ ગાડીમાંથી ઉતરી અશોકજી પાસેથી ગાડી એસેસરીઝ બિલના રૂ.16,500 માંગ્યા હતા.
જ્યાં અશોકજી ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલી ઓરડીમાંથી તલવાર લઈને આવ્યો હતો. જ્યાં ના પાડતા તલવાર મારતા સેધાજી ને જમણા હાથના બાવડા પર વાગી હતી. તે વખતે નજીકથી વિક્રમજી બદાજી તલવાર લઈ દોડી આવી ડાબા હાથના બાવડા પર મારી હતી. ત્યાં હાજર ઠાકોર સુરેશજી ભૂપતજી હાથમાં લાકડાનો ધોકો તેમજ ઠાકોર સંજયજી હાથમાં લોખંડની પાઇપ લઈ આવ્યા અને પટેલ રાજને પણ માર મારી ગળામાંથી 10 તોલાની 4 લાખ કિંમતના સોનાની દોરા પણ લૂંટી ગયા હોવાનું વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સેધાજીએ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે અશોકજી બદાજી ઠાકોર, વિક્રમજી બદાજી ઠાકોર, સુરેશજી ભૂપતજી ઠાકોર અને સંજયજી ઠાકોર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે સામે પક્ષે વિસનગરના ભક્તોના વાસમાં રહેતા વિક્રમજી બદાજીએ નોંધાવેલી ફરિયાદમાં ગત તારીખ 15/12/2022ના રોજ તેઓ ખેતરમાં બોર પર બેઠા હતા. ત્યારે કંકુપુરાનો ઠાકોર સેધાજી ઉર્ફે પકો અને ઠાકોર વિક્રમજી કાન્તિજી બન્ને જણા સ્કોર્પિયો ગાડી નંબર 4535 લઈને આવ્યા હતા અને કહેવા લાગ્યા કે, અમે કોંગ્રેસ પક્ષમાં જોડાઈએ છીએ તો તું કેમ વિરોધ કરે છે.
તેમ કહી બોલાચાલી કરી અપશબ્દો બોલવા લાગ્યા હતા. જ્યાં પટેલ રાજ પણ એની સ્વીફ્ટ ગાડી લઈને આવી ભેગા મળી ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતાં. જ્યાં બોર પર પડેલી સ્કોર્પિયો ગાડી નંબર જીજે.02.ડી.એમ.0124 પડી હતી. જેમાં વિક્રમજી તેમજ અનિલજી કાચ વગેરે તોડી નુકસાન કર્યું હતું. જ્યાં ઝપાઝપીમાં ખીસામાં રહેલા રૂ.50,000 પણ લૂંટી ગયા હતા. જ્યાં ચારેય શખ્સો તલવાર અને લોખંડની પાઇપ લઈ આવતા બીકથી સ્વીફ્ટ ગાડી લઈ ગોઠવા બાજુ ચાલ્યા ગયા હતા. જ્યાં તમામ શખ્સો વરના ગાડી લઈ પાછળ પાછળ જઈ ગોઠવા ઝવેરી ફોઈના મંદિર પાસે ઊભો રખાવી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આમ ઉપરોક્ત ચાર શખ્સો ભેગા મળી ગદડાપાટુનો માર મારતા વિક્રમજી બદાજીએ ચારેય શખ્સો સામે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આમ વિસનગર તાલુકાના બાજીપૂરા ગામની સીમમાં થયેલી સામ સામે મારામારીમાં વિસનગર તાલુકા પોલીસ મથકમાં કુલ આઠ શખ્સો સામે ફરિયાદ નોધાઇ હતી. પોલીસે તમામ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.