૬૫ વર્ષીય વૃધ્ધ બાઇક ચાલકને ગંભીર ઇજા થતા ભરુચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક એક હાઇવા ટ્રકે એક સ્કુટી મોટરસાયકલને પાછળથી અડફેટમાં લેતા મોટરસાયકલ ચાલક ૬૫ વર્ષીય વૃધ્ધને ગંભીર ઇજાઓ થઇ હતી. રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના રતનપોર ભીલવાડાના રહીશ ૬૫ વર્ષીય રાજુભાઇ શિવનાથભાઇ વસાવા ગત તા.૩ જીના રોજ સાંજના ચાર વાગ્યાના સમયે રાજપારડી કોઇ કામ માટે ગયા હતા. રાજપારડી કામ પતાવી તેઓ તેમની સ્કુટી મોટરસાયકલ લઇને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રાજપારડીથી થોડે દુર પાછળથી આવતી એક હાઇવા ટ્રકે તેમની મોટરસાયકલને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રાજુભાઇ નીચે પડી ગયા હતા અને ટ્રકના ટાયરો તેમના બન્ને પગના ભાગે ચઢી ગયા હતા. ઇજાગ્રસ્ત રાજુભાઇને બન્ને પગે ફેકચર થયું હતું, તેમજ માથાના ભાગે પણ ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તને અવિધા સરકારી દવાખાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. ઘટના અંગે રાજપારડી પોલીસે અકસ્માત કરી નાશી જનાર હાઇવા ટ્રકના ચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.