નેત્રંગ : ચુંટણી બંદોબસ્ત માટે આવેલ યુપી ફોર્સના જવાનોને નેત્રંગ પોલીસ દ્વારા વિદાયમાન અપાયું.

તા.૦૨/૧૨/૨૦૨૨,શુક્રવાર

ભરૂચ જીલ્લાના નેત્રંગ પોલીસ સ્ટેશન ખાતે વિધાનસભાની ચુંટણી બંદોબસ્ત માટે આવેલ યુપી ફોર્સના ૨૨૦ જેટલા જવાનોને વિદાયમાન આપવામાં આવ્યું હતું. નેત્રંગ પી.એસ.આઇ શકિતસિંહ ચુડાસમા અને નેત્રંગ પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા જમાદાર સૌરભ અંજારા દ્વારા યુપી ફોર્સના ૨૨૦ જેટલા જવાનો તેમજ પી.આઇ.રાકેશ પ્રતાપ સિંઘનું આ પ્રસંગે સન્માન કરીને વિદાયમાન આપવામાં આવી હતું.

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની ચુંટણી ગતરોજ તા.૧ લીએ યોજાઇ ગઇ. ચુંટણી દરમિયાન લોકોમાં સલામતીની ભાવના પ્રબળ બને, લોકો મુક્ત અને નિર્ભય રીતે મતદાન કરી શકે તે માટે સ્થાનિક પોલીસ તેમજ બહારથી આવેલ પોલીસ ફોર્સના જવાનો દ્વારા ફુટ પેટ્રોલિંગ યોજાતું હોય છે. રાજ્ય વિધાનસભાની ચુંટણીના પહેલા તબક્કામાં ભરૂચ જીલ્લાની ઝઘડિયા બેઠકની ચુંટણી પણ યોજાઇ હતી. ઝઘડિયા બેઠકની ચુંટણીને લઇને યુપી ફોર્સની ટુકડીઓ કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં મદદરૂપ થવા આવેલ હતી. ચુંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતાં બહારથી આવેલ આ ૨૨૦ જેટલા જવાનોને નેત્રંગ પોલીસ દ્વારા સન્માન સહ વિદાયમાન આપવામાં આવ્યું હતું.