રાજકોટ શહેરમાં એક અજીબો ગરીબ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂપિયા 19 લાખની લૂંટની ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતા એ ડિવિઝન પોલીસનો કાફલો તેમ જ ક્રાઈમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તો સાથે જ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, ડીસીપી સુધીરકુમાર દેસાઈ, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. સમગ્ર મામલે ફરિયાદીના દીકરા કૃણાલ પંડ્યાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દરરોજની માફક મારા પિતા ઓફિસથી પરત ફરી રહ્યા હતા. ત્યારે મારા પિતા ઘરની નજીક પહોંચવાના હતા. ત્યારે બે જેટલા ઈસમોએ મારા પિતાને વચ્ચે અંતરને બંદૂક સહિતનું હથિયાર બતાવી તેમની પાસે રહેલ રોકડની લૂંટ ચલાવી છે. બે પૈકી એક વ્યક્તિએ બુકાની પણ પહેરી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે ઘટના સ્થળ પર દોડી ગયેલા ડીસીપી સુધીરકુમાર દેસાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભોગ બનનાર અતુલભાઇ પંડ્યા સોની બજારમાં માંડવી ચોક નજીક આવેલી પી મગનલાલ પેઢીમાં મેનેજર તરીકે હાલ ફરજ બજાવી રહ્યા છે. તેઓ જ્યારે પોતાની ઓફિસથી પોતાના ઘરે કેશવકુંજ એપાર્ટમેન્ટ ખાતે પરત ફરી રહ્યા હતા. ત્યારે તેમની સાથે લૂંટની ઘટના બની હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસના પીઆઇ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જુદી જુદી ટીમ બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જે પ્રમાણે આરોપીઓએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. તે જોતા આરોપીઓએ રેકી કરી હોવાનું પણ પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. આરોપીઓ ભોગ બનનાર નો કઈ જગ્યાએથી પીછો કરતા હતા. તે બાબતે પણ જાણવા માટે સમગ્ર રૂટના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવી રહ્યા છે. જે જગ્યાએ ઘટના ઘટી છે તે સ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ પણ પોલીસ દ્વારા મેળવવામાં આવી રહ્યા છે. હાલ ફરિયાદીની ફરિયાદ નોંધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.