*એક્સીસીબીલીટી ઓબઝર્વરશ્રી જેનુ દેવન દ્વારા PWDના નોડલ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઇ*
*દિવ્યાંગ અને સિનિયર સિટીઝન્સ મતદારો માટેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ અને સમીક્ષા કરી*
(માહિતી બ્યુરો, પાલનપુર)
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. બનાસકાંઠા જિલ્લામાં તા.5.12.2022ના રોજ બીજા તબક્કામાં મતદાન થશે. જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ચૂંટણીની કામગીરી માટે વિવિધ ટીમો હાલમાં કાર્યરત છે. આ ટીમો પર વોચ રાખવા માટે જિલ્લામાં ઓબ્ઝર્વર્સનું આગમન થયું છે. ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજ રોજ જિલ્લા સેવા સદન ખાતે એક્સીસીબીલીટી ઓબઝર્વરશ્રી જેનુ દેવનની અધ્યક્ષતામાં pwd ના નોડલ ઓફિસર્સ, હેલ્થ ઓફિસરશ્રી અને જિલ્લાની તમામ વિધાનસભાના ચૂંટણી અધિકારીશ્રીઓ અને નાયબ મામલતદારશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં ઓબ્ઝર્વરશ્રીએ ચૂંટણીલક્ષી તમામ બાબતોની માહિતી અને વિગતોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ સાથે સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા.
એક્સીસીબીલીટી ઓબઝર્વરશ્રી જેનુ દેવને દિવ્યાંગ મતદારો તેમજ 80 વર્ષથી વધુ ઉંમર ધરાવતા સિનિયર સિટીઝન્સ મતદારો માટે મતદાન મથકો પર શું વ્યવસ્થા કરવામાં આવી છે તેની જાણકારી મેળવી હતી. તેમજ આવા મતદાન મથકો પર જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સહાયક, વ્હીલચેર, રેલિંગ, ગાડી સહિતની વ્યવસ્થાઓ અંગે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં BLO દ્વારા મતદારોને મતદાનની સ્લીપ આપતી વખતે દિવ્યાંગ અને સિનિયર સિટીઝન્સ, વૃદ્ધ અશક્તોની જરૂરિયાતો અંગે પૂછી તે મુજબ વ્યવસ્થાઓ ગોઠવાય તેવા દિશા નિર્દેશ કર્યા હતા.
બેઠક અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લો નવ વિધાનસભા મતવિસ્તાર ધરાવે છે અને સંખ્યાત્મક રીતે પણ મોટો જિલ્લો છે ત્યારે ઓબ્ઝર્વરશ્રીની સૂચનાનું અક્ષરસ પાલન કરવા ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. દિવ્યાંગ મતદારો અને સિનિયર સિટીઝન્સ પ્રત્યે સંવેદનશીલ વર્તન રાખી આવા મતદારોમાં તંત્રની સુવિધાઓ અને વ્યવસ્થાઓ પ્રત્યે સહાનુભૂતિનો ભાવ પેદા થાય એવું આયોજન કરવા તાકીદ કરી હતી. વધુમાં કલેકટરશ્રીએ ચૂંટણીલક્ષી તમામ બાબતોની અપડેટથી ઓબ્ઝર્વરશ્રીને અવગત રાખી સુચારુ આયોજન થશે એવી ખાત્રી આપી હતી.
બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એચ.કે.ગઢવી, PWDના નોડલ અધિકારીશ્રીઓ, હેલ્થ ઓફિસર્સ સહિત જિલ્લાની નવ વિધાનસભાના ચૂંટણી અધિકારીશ્રીઓના નાયબ મામલતદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Tv 108 24x7 live news
અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા