રિપોર્ટ. લતીફ સુમરા

ડીસામાં આરોગ્ય વિભાગના ફાર્માસિસ્ટ કર્મચારીઓએ વેકસીનની કામગીરીનો બહિષ્કાર કર્યો છે અને તાલુકા હેલ્થ ઓફિસરને આવેદનપત્ર આપી વધારાની કરાવવામાં આવતી કામગીરી બંધ નહીં કરાવે અથવા તો સરકાર વધારાનું ભથ્થું નહીં ચૂકવે તો આગામી સમયમાં તમામ કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.ડીસાની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ફાર્માસિસ્ટ કર્મચારીઓએ હવે સરકાર સામે બાંયો ચડાવી છે. સરકાર છેલ્લા ઘણા વર્ષોથી ફાર્માસિસ્ટ કર્મચારીઓ પાસે તેમની કામગીરી સિવાય વધારાનું કામ કરાવે છે. જેમાં વેક્સિન વિતરણ તેમજ તાલુકા અને જિલ્લાની હેલ્થ ઓફિસોમાં પણ વધારાની કામગીરી કરાવવામાં આવે છે તેમ છતાં પણ આ ફાર્માસિસ્ટ કર્મચારીઓને કોઈ જ પ્રકારનું વધારાનું ભથ્થું ચૂકવવામાં આવતુ નથી. જે અંગે અગાઉ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ સરકારે તેમની કોઈ જ વાત ન સાંભળતા આખરે હવે ફાર્માસિસ્ટ કર્મચારીઓએ અત્યારે વેકસીન વિતરણની કામગીરીનો બહિષ્કાર કરી વિરોધ દર્શાવ્યો છે.આ અંગે ફાર્માસિસ્ટ કર્મચારીઓએ જણાવ્યું હતું કે, અમે અમારી કામગીરી સિવાય વેકસીનની વધારાની કામગીરી નિષ્ઠાપૂર્વક નિભાવીએ છીએ, આ સિવાય પણ જિલ્લા અને તાલુકા કક્ષાએ ફાર્માસિસ્ટને વધારાની કામગીરી સોંપવામાં આવે છે. જેના માટે અમે અગાઉ વારંવાર રજૂઆત કરી હતી, પરંતુ હજુ સુધી સરકારે અમને નથી તો વધારાની કામગીરી બંધ કરાવી કે નથી ભથ્થું ચૂકવ્યું જેથી અમે અત્યારે વેક્સિનની રોજબરોજની ડેટા એન્ટ્રી સહિતની કામગીરીનો બહિષ્કાર કર્યો છે અને જો આગામી 9મી ઓગસ્ટ સુધી સરકાર અમારી વાત નહીં સાંભળે તો અમે તમામ પ્રકારની કામગીરીનો બહિષ્કાર કરી આંદોલન કરીશું.