કવિ અનિલ ચાવડાની મસ્ત પંક્તિઓથી આરંભ કરીએ:

'અમે રંગની સાથે સાથે જાત અમારી ઘોળી છે, 

અને એમની આંખે જોયું, એમાં પણ રંગોળી છે.

યુગોયુગોથી સપનાંઓ પણ હતાં બ્લેક ને વ્હાઈટ, 

રંગ તમારો ભળ્યો શ્વાસમાં થયું બધુંયે રાઈટ. 

અડ્યા તમે તો લાગ્યું ઈચ્છા, કેસર અંદર બોળી છે 

અમે રંગની સાથે સાથે જાત અમારી ઘોળી છે'

દીપોત્સવ ટાણે ખાણીપીણી, ફટાકડાં સાથે રંગોળીનું પણ મહાત્મ્ય રહેલું છે. અને આ દિવસોમાં કળાની સુઝ ધરાવતાં લોકો શ્રદ્ધાભેર કલાકો સુધી મહેનત કરી પોતાના આંગણે રંગોળી સર્જે છે. ત્યારે દાહોદ ખાતે લીઝાબેન તથા ડૉ ખુશ્બૂ શાહ નામે વૈષ્ણવ મા-દિકરીએ પિછવાઈ શૈલીમાં ૯×૧૧ ફૂટની સાઈઝની છાક લીલાની રંગોળી બનાવી છે.

વૈષ્ણવ સૃષ્ટિમાં અનન્ય મહત્વ ધરાવતી 'છાક લીલા'ને વિષયવસ્તુ તરીકે સાંકળીને દાહોદના, હાલ અમદાવાદ સ્થિત લીઝાબેન શૈલેષભાઈ શાહ તથા તેમની દિકરી ડૉ ખુશ્બૂ શાહે મળીને સ્ટેશન રોડ સ્થિત કલ્યાણ સોસાયટીના નિવાસસ્થાને ખૂબ જ સુંદર કલાકૃતિ સર્જી છે. પોતાના ડ્રોઈંગ રૂમમાં જ ૯×૧૧ ફૂટની વિશાળ સાઈઝની આ રંગોળી બનાવતા તેમને આશરે ૩૦ કલાક પુરા થયા છે. આ પિછવાઈ રંગોળી સંદર્ભે લીઝાબેન શાહે જણાવ્યું હતું કે ''તેમના પતિ સ્વ. શૈલેષભાઈ ભગવાનદાસ શાહના ઉત્સાહ થકી ૩૫ વર્ષ અગાઉ પહેલી વખત રંગોળી બનાવી હતી. જેને સરસ પ્રોત્સાહન મળતાં તે પરંપરા સતત સાડા ત્રણ દાયકાથી અવિરત ચાલી રહી છે. જોકે છેલ્લા ૧૨ વર્ષથી અન્ય રંગોળી બદલે તેઓ પિછવાઈ સ્વરૂપની રંગોળી જ બનાવે છે."

આ વર્ષે દાહોદ ખાતે બનાવેલ આ પિછવાઈ રંગોળીને નિહાળવા વિદ્વાન નલીનભાઈ શાસ્ત્રી, દાહોદ વણિક સમાજના પ્રમુખ મૃણાલભાઈ પરીખ, મંત્રી ગોપીભાઈ દેસાઈ સહિત અનેક લોકો આવ્યા હતા અને આવી અદ્દભૂત કલાકારી જોઈને અભિભૂત થયાં હતાં.

છાક લીલા સંદર્ભે જે તે સંદર્ભ ગ્રંથોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ 'વ્રજના કુમુદવન, મધુવન, શ્યામઢાંક અને શાન્તનકુંડ પર શ્રીઠાકોરજી સખાઓ સાથે ગોચારણ માટે પધારતા. બપોરના સમયે સખીઓ શ્રીઠાકુરજી માટે અતિ પ્રેમથી દહીં, લીલા મેવા અને અન્ય સામગ્રીની છાક લઇને આવતી અને તે સખીઓ છાક-વાંસની છાબડીઓમાં અથવા માટીની કુલડીઓમાં ધરતી અને શ્રીઠાકોરજી પોતાના સખાઓ સાથે વહેંચીને આરોગતા. શાન્તનકુંડ પર છાકલીલાની ભાવનામાં સતવાનો ભોગ ધરાવવામાં આવે છે. લીલી પરિક્રમા દરમ્યાન અહીં ગૌચારણ લીલા અને છાકલીલા રાસ થાય છે.'