પાટણ જિલ્લાના તમામ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં હથિયારબંધી ફરમાવતું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ નું જાહેરનામું
પાટણ : આગામી તા.09 ઓગષ્ટના રોજ મહોરમ, તા.11 ઓગષ્ટના રોજ રક્ષાબંધન, તા.10 ઓગષ્ટના રોજ જન્માષ્ટમી, અને તા.31 ઓગષ્ટના રોજ સવંત્સરીના તહેવારની ઉજવણી થનાર છે ત્યારે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવેલી દરખાસ્તના પગલે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જિલ્લામાં હથિયારબંધી ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જિલ્લામાં તહેવારોની ઉજવણી તેમજ રાજકીય સંગઠનો, સંસ્થાઓ, વ્યક્તિ સમુહો તથા સરકારશ્રી દ્વારા વિવિધ કાર્યક્રમો થતા હોઈ આ કાર્યક્રમો દરમ્યાન સરકાર વિરૂદ્ધમાં આક્ષેપો/પ્રતિ આક્ષેપો કરી આંદોલનાત્મક કાર્યક્રમો, સરઘસ કાઢી, ધરણાં, ભૂખ હડતાલ કે રેલી કાઢી આવેદનપત્ર આપવાથી જિલ્લામાં જાહેર સુલેહશાંતિનો ભંગ ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે પોલીસ અધિક્ષક, પાટણની દરખાસ્તને ધ્યાને લઈ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રદીપસિંહ રાઠોડ દ્વારા સાવચેતીના પગલાં તરીકે વિવિધ પ્રતિબંધ મુકવામાં આવ્યા છે.
ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૭(૧) મુજબ મળેલી સત્તાની રૂએ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રદીપસિંહ રાઠોડ દ્વારા સમગ્ર પાટણ જિલ્લાના વિસ્તારમાં તા.01.08.2022 થી તા.30.09.2022 સુધી બંને દિવસો સુદ્ઘાંત નીચે મુજબના કૃત્યો કરવા મનાઈ ફરમાવવામાં આવી છે.
જે મુજબ શસ્ત્રો, તલવાર, ભાલા, સોટા, બંદૂક, ચપ્પુ, લાકડી અથવા શારીરિક ઇજા પહોંચાડી શકાય તેવા સાધનો કે હથિયારો સાથે રાખી ફરવાનું કે એકઠા કરવા સામે, જલ્દી સળગી ઉઠે તેવા પદાર્થો બનાવવાની કે એકઠા કરવાની કે સાથે રાખી ફરવાનું કે કોઇપણ સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલો લઇ જવાનું, પથ્થર અથવા પથ્થર જેવા પદાર્થો અથવા હથિયાર અગર ફેંકી શકાય તેવા સાધનો સાથે રાખી ફરવાનું કે એકઠા કરવાનું, જુસ્સાદાર ભાષણ કરવાનું કે, નનામીઓ કે પૂતળા કાઢવાનું કે, ચાળા પાડવા કે અસભ્યતા પ્રેરે અગર નીતિનો ભંગ કરેલ તેવા ચિત્રો તૈયાર કરવાનું પ્રદર્શિત કરવા સામે, ધાર્મિક કે સામાજિક લાગણી દૂભાય તેવા સુત્રો પોકારવા સામે, અપમાન કરવાનું કે જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્સ સુત્રો પોકારવાનું, અશ્લીલ ગીતો ગાવાનું કે ટોળામાં ફરવાનું, માણસનું મડદું આકૃતિ અગર પ્રતિમા પ્રદર્શિત કરવા સામે, નીતિનો ભંગ કરે તેવું ભાષણ કરવાનું, વાણી ઉચ્ચારવાનું, નીતિનો ભંગ થાય તેવા હાવભાવ કરવા તેવી ચેષ્ટાઓ કરવાની તથા ચિત્રો, પત્રિકાઓ અથવા પ્લેકાર્ડ તૈયાર કરવા કે ઉપયોગ કરવા સામે મનાઇ ફરમાવી છે.
આ હુકમના કોઈપણ ખંડનો ભંગ અગર ઉલ્લંઘન કરનાર શખ્સ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫(૧) હેઠળ શિક્ષાને પાત્ર થશે. ફરજ પરના સરકારી નોકર કે કામ કરતી કોઈપણ વ્યક્તિ કે જેના ઉપરી અધિકારીએ આવું કોઈપણ હથિયાર સાથે લઈ જવાનું ફરમાવ્યું હોય અથવા કોઈ પણ હથિયાર લઈ જવાની જેની ફરજ હોય તેવા વ્યક્તિઓ તથા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી, એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કે તેમણે અધિકૃત કરેલ પોલીસ અધિકારીશ્રીએ શારીરિક અશકિતના કારણે લાકડી કે લાઠી લઈ જવાની પરવાનગી આપી હોય તે વ્યક્તિઓને આ હુકમ લાગુ પડશે નહીં.