ઢોર નિયંત્રણના કાયદાનદ વિરોધમાં માલધારીઓએ આપેલ બંધના એલાનને સિહોરમાં સફળતા મળી છે. આજે સવારથી જ મોટીમોટી ચાની હોટલોથી લઈ નાના નાના ચાના ધંધાર્થીઓ, ડેરીઓ, દુધનું વેચાણ કરતાં પાર્લરોએ પણ સજજડ બંધ રાખી માલધારીઓને સહયોગ આપ્યો હતો. માલધારી સમાજ દ્વારા સરકાર સમક્ષ કરેલી વિવિધ માંગણીઓનો ઉકેલ ન આવતા આજે દૂધ વિતરણ બંધ રાખવાનું એલાન કર્યું હતું. જેના પગલે દૂધની ડેરીના સંચાલકોએ દૂધનો સ્ટોક કરી લીધો હતો. મોટાભાગના ગ્રાહકોએ તો ગઈકાલે સાંજે જ દૂધનો વધુ જથ્થો એકત્રીત કરી લીધો હતો. ડેરીઓમાં મોટી મોટી લાઈનો જોવા મળતી હતી.તો બીજી તરફ દુકાનદારોને રોજ કરતાં દૂધનું વેચાણ બમણું થયું હતું. ગ્રાહકોએ સ્ટોક માટે વધારે દૂધની માંગણીઓ કરતાં ઓછુ દૂધ જ આપવામાં આવ્યું હતું.