ભુજ, સોમવાર :
ભુજની કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે નિવાસી અધિક કલેક્ટરશ્રી મિતેશ પંડ્યાના અધ્યક્ષપદે અનુસૂચિત જાતિ પેટા યોજનાની માહે જૂન -૨૦૨૨ અંતિત અમલીકરણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકના અધ્યક્ષપદેથી નિવાસી અધિક કલેક્ટરશ્રીએ અનુસૂચિત જાતિ પેટા યોજના અંતર્ગત અમલીકરણ અધિકારીઓને યોજનાઓનો અસરકારક અમલ કરવા નિર્દેશો આપી જે વિભાગોએ કામગીરી મંદ ગતિએ કરી છે તે બાબતે તાકીદ કરી હતી અને ઝડપથી યોગ્ય કામગીરી કરવા સૂચના આપી હતી.
બેઠકમાં અનુસૂચિત જાતિ પેટા યોજના અંતર્ગત જૂન-૨૦૨૨ અંતિત જિલ્લા માટે ૨૬ વિભાગોને જુદા-જુદા હેતુઓ માટે ફાળવાયેલા ગ્રાંટ રૂ.૩૯૦૯.૦૨ લાખની ગ્રાંટ સામે રૂ.૨૬૪૨.૫૫ લાખનો ખર્ચ કરી ૬૭.૬૦ ટકા સિદ્ધિ હાંસલ કરવામાં આવી હોવાની વિગતો પણ અપાઇ હતી.
બેઠકના પ્રારંભે અનુસૂચિત જાતિ પેટા યોજના સમિતિના સભ્ય સચિવ અને નાયબ નિયામક, અનુ.જાતિ કલ્યાણ અધિકારી શ્રી દિપક ભોજગોતરએ સ્વાગત કરીને યોજનાકીય મુદ્દાઓની છણાવટ કરી હતી.
આ બેઠકમાં સભ્ય શ્રી ગોવિંદભાઈ મારવાડા, પચાણભાઈ સંજોટ સહિત અનુસૂચિત જાતિના સભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.