યુરોપિયન દેશોમાં મોંઘવારીથી લોકો પરેશાન છે. યુરોપિયન દેશોને બે તરફથી માર પડી રહ્યો છે. યુક્રેન પર રશિયાના હુમલાના કારણે ગેસની અછત અને ખાદ્ય પદાર્થોના વધતા ભાવ એમ બંનેનો તેઓ સામનો કરી રહ્યા છે. બ્રિટન, જર્મની સહિત અન્ય દેશોમાં શિયાળાને લઈને ચિંતા વધુ છે કારણ કે ત્યારે ગેસ અને વીજળીની માંગ બમણી થઈ જશે...આ બધાને  જોતા અનેક સરકારોએ અત્યારથી જ પગલાં લેવાના શરૂ કરી દીધાં છે. જર્મનીના લોકોને રાહત આપવા અને દેશના અર્થતંત્રને ધબકતું રાખવા 65 અબજ પાઉન્ડ એટલે કે આશરે રૂ. 5.15 લાખ કરોડના પેકેજની પણ જાહેરાત કરાઈ છે. હાલના સમયમાં આ ત્રીજું અને સૌથી મોટું રાહત પેકેજ છે. તો બીજી તરફ, સ્પેનના લોકોને મોંઘવારીના મોરચે રાહત આપવા ટ્રેનમાં મફત પ્રવાસની યોજના શરૂ કરાઈ છે. 300 કિ.મી. સુધી તમામ નાગરિકો ટિકિટ લીધા વિના પ્રવાસ કરી શકશે. આ યોજના આ વર્ષના અંત સુધી લાગુ રહેશે. આ ઉપરાંત સ્વિડને વીજ ઉત્પાદનમાં ઝડપ લાવવા ઉદ્યોગોને ઈમર્જન્સી ફંડ આપવાની જાહેરાત કરી છે. આ પહેલાં સરકાર ઘરેલુ વીજળીમાં રાહત આપવા રૂ. 66 હજાર કરોડના પેકેજની જાહેરાત કરી ચૂકી છે.