રાજકોટ તા.5 : ગુજરાત એટીએસની ટીમે છેક દિલ્હી પહોંચી 20 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપી, અહીં ભારતમાં મેડિકલ વિઝાથી 6 વર્ષથી રહેતા અફઘાની શખ્સને દબોચી લીધો છે. પ્રાપ્ત વિગત મુજબ ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે એક અફઘાની નાગરિક વાહીદુલ્લાહ કે જે દિલ્હીના એનસીઆર વિસ્તારમાં મોટા જથ્થામાં ડ્રગ્સની સપ્લાય કરે છે. બાતમીના આધારે દિલ્હી ક્રાઈમ બ્રાંચની મદદ લઈ ગુજરાત એટીએસની ટીમ દિલ્હી પહોંચી હતી. તા.2 સપ્ટેમ્બરના રોજ રાત્રીના સમયે 11થી 11-30 વચ્ચે એનસીઆરના વસંત કુંજ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. દિલ્હી ક્રાઈમ બ્રાંચ અને એટીએસના આ સંયુકત ઓપરેશનમાં રાત્રીના સમયે જ દરોડો પાડી 4 કિલો હેરોઈન ડ્રગ્સ સાથે પોલીસે વાહીદુલ્લાહ નામના અફઘાની યુવકને દબોચી લેવાયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વાહીદુલ્લાહ 2016થી તેના માતા-પિતા અને ભાઈ-બહેન સાથે મેડિકલ વિઝા પર ભારત આવ્યો હતો. તે મેડિકલ એક્ષ્ટેન્ડ કરાવી અત્યારે સાઉથ દિલ્હી રહેતો હોવાનું જાણવા મળે છે, આ અંગે હવે દિલ્હી ક્રાઈમ બ્રાંચે અન્ય સપ્લાયરોની શોધખોળ હાથ ધરી છે.