બેંગલુરુમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ઠપ થઈ ગયું છે. રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ 3 સપ્ટેમ્બર સુધી ગ્રામીણ અને શહેરી બેંગલુરુમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદને કારણે મંગળવારે શાળા-કોલેજો બંધ રહી હતી. ભારે વરસાદ બાદ અનેક વૃક્ષો પડી ગયા અને બેંગ્લોર-મૈસુર હાઈવે પર પાણી ભરાઈ ગયા.

શહેરના આઇટી કોરિડોર અને આઉટર રિંગ રોડ પર પાણી ભરાઇ ગયા હતા, જેના કારણે ભારે ટ્રાફિક જામ થયો હતો. આઉટર રીંગરોડમાં પાણી ભરાતા જ જાણે કોઈ મોટી નદી વહી રહી હોય તેવો નજારો દેખાતો હતો. બેંગલુરુમાં ભારે વરસાદના 15 કલાકથી વધુ સમય બાદ શહેરના આઈટી કોરિડોર અને આઉટર રિંગ રોડ પર અરાજકતા ફેલાઈ ગઈ હતી. હવામાન વિભાગે બેંગલુરુના ઘણા વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.