પાટડીના તત્કાલીન નાયબ કલેકટર વિરુદ્ધ 88.84 લાખની અપ્રમાણસર મિલ્કત વિરુદ્ધ એસીબીમાં ગુન્હો દાખલ કરાતા ચકચાર મચી જવા પામી છે. એમની કાયદેસરની આવકની સરખામણીમાં 59.26% જેટલી વધુની અપ્રમાણસર મિલ્કત વસાવેલી હોવાનું બહાર આવ્યું છે.પાટડીના તત્કાલીન નાયબ કલેકટર અને હાલ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર સુનિલકુમાર ચતુરભાઈ વસાવાની એમની રાજ્ય સેવકની તરીકેની ફરજ દરમિયાન તા.1/4/2008થી 31/5/2018 સુધી પોતાની કાયદેસરની આવક સામે રૂ.88,84,982ની અપ્રમાણસર મિલ્કત વિરુદ્ધ એસીબીમાં ગુન્હો દાખલ કરાતા ચકચાર મચી જવા પામી છે. એમની કાયદેસરની આવકની સરખામણીમાં 59.26% જેટલી વધુની અપ્રમાણસર મિલ્કત વસાવેલી હોવાનું બહાર આવ્યું છે. આ મિલ્કત એમણે ભ્રષ્ટ રીત રસમો અપનાવી, હોદાનો દુરુપયોગ કરી, ગેરકાયદેસર રીતે નાણા મેળવી, સ્થાવર અને જંગમ મિલ્કતોમાં રોકાણ કરી અપ્રમાણસર મિલ્કત વસાવી હોવાનું બહાર આવ્યું હતું. આથી એમની વિરુદ્ધ સુરેન્દ્રનગર એસીબી પોલીસ મથકના પીઆઇ એમ.ડી.પટેલે ગુન્હો દાખલ કર્યો હતો.આ કેસની વધુ તપાસ જામનગર એસીબી પોલીસ મથકના મહિલા પીઆઇ એન.આર.ગોહિલ ચલાવી રહ્યાં છે. હાલમાં એમના રહેણાંક મકાનના મિલ્કતો બાબતની સર્ચની કામગીરી હાલ ચાલુ છે. જેના સુપર વિઝન અધિકારી રાજકોટ વિભાગના મદદનીશ નિયામક વી.કે.પંડ્યા ચલાવી રહ્યાં છે. વર્ષ 2018મા તેઓ રૂ. 2.73 લાખની લાંચ લેતા ઝડપાયા હતા.વર્ષ 2018મા પાટડી ખાતે પ્રાંત અધિકારી તરીકે ફરજમા હતા, ત્યારે નાયબ મામલતદાર સાથે તત્કાલિન નાયબ કલેકટર પાટડી સુનિલ વસાવાને જમીનના કામ બાબતે રૂ. 2.73 લાખની લાંચ લેતા અમદાવાદ એસીબીએ ઝડપી પાડયા હતા.