ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદાડેમમાં પાણીની આવક વધતા ડેમમાંથી પાણી છોડાતા હાલ નર્મદા નદીમાં પુર સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે આસપાસના ગામોને એલર્ટ કરાયા છે દરમિયાન માલસર ગામના કાંઠા વિસ્તારમાં જળસ્તર વધતા કરજણ નાયબ કલેકટર આશિષ મિયાત્રા, શિનોર મામલતદાર વી વી વાળા, શિનોર પીએસઆઇ સહિત પોલીસ, તલાટી સરપંચની ટીમે ગામની સ્થિતિ જાણી નર્મદા કાંઠે આવેલા વિવિધ આશ્રમના 297 જેટલા લોકોને પ્રાથમિક શાળામાં સ્થળાંતરિત કર્યા હતા.
જ્યારે દિવેર મઢી દેવસ્થાનથી અંદાજિત 15 વ્યક્તિને દિવેર ગામે સ્થળાંતર કરાઇ છે.
અંબાલી ગામના અનસૂયા માતા દેવસ્થાને આવેલ પૂજાપાની અંદાજિત 10 થી 12 દુકાનોના માલ સામાન સાથે દુકાન ધારકનું અંબાલી ગામે સ્થળાંતર કરાયું છે.
નર્મદાના પાણી હાલ દિવેર મઢી દેવસ્થાનથી ફક્ત 200 મીટરના અંતરે છે.
દિવેર મઢીની બાજુમાં આવેલ વાલેશ્વર હનુમાનજી મંદિર, આશ્રમ હાલ સંપર્ક વિહોણા બન્યા છે.
જ્યારે શિનોરના ગણપતિ મંદિરની નીચે આવેલ મહાદેવના મંદિર સુધી પણ પાણી આવી જતા શિનોર વહીવટી તંત્ર, આરોગ્ય તંત્ર અને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે.
નર્મદા કાઠે લોકોની ભીડ ન થાય અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.