ડીસા શહેર દક્ષિણ પોલીસે માદક પદાર્થ વિરોધી અભિયાન અંતર્ગત મહત્વની સફળતા મેળવી છે. પોલીસે ગંજીપુરા ગવાડી વિસ્તારમાંથી શાહરૂખભાઇ હનીફભાઇ મકરાણીને 700 ગ્રામ ગાંજા સાથે પકડી પાડ્યો છે.

પોલીસે આરોપી પાસેથી રૂ. 7,000 ની કિંમતનો ગાંજો, એક મોબાઇલ ફોન અને અન્ય દસ્તાવેજો મળી કુલ રૂ. 7,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ-ભૂજ અને બનાસકાંઠા જીલ્લાના પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ માદક પદાર્થની હેરાફેરી અટકાવવા સુચના આપી હતી. આ સુચનાના પગલે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનના પી.આઇ. વી.એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. ચૌધરી અને તેમની ટીમે પેટ્રોલિંગ શરૂ કર્યું હતું.

બાતમીના આધારે પોલીસને જાણવા મળ્યું કે, શાહરૂખભાઇ તેના ઘરે ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ કરી રહ્યો છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તેના રહેણાંક ઘરના આંગણામાંથી ગાંજો જપ્ત કર્યો હતો. આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.