*દાહોદ જિલ્લાની જિલ્લા કલેકટર કચેરી તથા દાહોદ જિલ્લાની તમામ સરકારી કચેરીઓ ખાતે કોઈ પણ વ્યક્તિઓએ ઉપવાસ/ધરણાં ઉપર બેસવું નહી*
*હુકમનો અનાદર કે ભંગ કરનાર અથવા તેમ કરવામાં મદદગારી કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે*
દાહોદ જિલ્લામાં નાગરિકો/સંસ્થાઓ જિલ્લા કલેક્ટર કચેરી તથા દાહોદ જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરીઓ ખાતે પોતાની વિવિધ માંગણી/રજુઆતો માટે સમૂહમાં આવતા હોય છે. આ પ્રકારની રજુઆતો દરમ્યાન સંબંધિત કાર્યત કચેરીઓ ખાતે અધિકારીઓ/કર્મચારીઓ તેમજ કચેરી ખાતે કામ અર્થે આવેલ નાગરિકોના વિવિધ કાર્યો તેમજ તેઓની શાંતિ અને સલામતિ જળવાઈ રહે. સૌહાર્દપૂર્ણ માહોલ બની રહે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ ૧૬૩ અન્વયે દાહોદ જિલ્લાની જિલ્લા કલેકટર કચેરી તથા દાહોદ જિલ્લાની તમામ સરકારી કચેરીઓની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં આવતા વિસ્તારોમાં જરૂરી નિયંત્રણો મુકવા જાહેરનામું બહાર પાડવું આવશ્યક જણાતાં દાહોદ જિલ્લાની જિલ્લા કલેકટર કચેરી તથા દાહોદ જિલ્લાની તમામ સરકારી કચેરીઓના પ્રીમાઈસીસની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં નીચે મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
(૧) કોઈ પણ વ્યક્તિઓએ ઉપવાસ/ધરણાં ઉપર બેસવું નહી.
(૨) જાહેર સુલેહ-શાંતિ જોખમાય તેવા સુત્રોચ્ચાર કરવા નહી.
(૩) કોઈ પણ વ્યકિતએ લાઠી અગર ઈજા થાય તેવા હથિયાર સાથે સરકારી કચેરીઓમાં પ્રવેશ કરવો નહી.
(૪) કોઈ વિસ્ફોટક પદાર્થ અથવા આગ લાગે તેવા પદાર્થો સાથે રાખવા નહી.
(૫) ચાર કે તેથી વધુ માણસોએ ભેગા થવું નહી કે સરકારી કચેરીમાં અતિક્રમણ કરવું નહી.
(૬) સરકારી કચેરી આસપાસ કે સરકારી કચેરીના પરીસરમાં ગંદકી/કચરો કરવો નહી.
*અપવાદ*
આ હુકમમાંથી સરકારશ્રીના વિભાગો/કચેરીઓ દ્વારા આયોજિત કરવામાં આવનાર કાર્યક્રમો/રેલીને મુક્તિ આપવામાં આવે છે.
*અમલવારીનો સમય*
આ જાહેરનામું તા.૧૧/૦૪/૨૦૨૫ થી તા.૦૯/૦૬/૨૦૨૫ (બંને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે.
*શિક્ષા*
આ હુકમનો અનાદર કે ભંગ કરનાર અથવા તેમ કરવામાં મદદગારી કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ તેમજ તેમનાથી ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારી/કર્મચારીઓને પોલીસ ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે એમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જે. એમ. રાવલ દ્વારા જણાવાયું છે.