લખતર તાલુકાના તલવણીનાં એક મકાનમાં પોલીસે મળેલી બાતમીને આધારે રેડ કરી હતી. જેમાં વિદેશી દારૂની 30 બોટલો અને બીયરના 45 નંગ ઝડપી પાડ્યા હતા. જ્યારે આરોપી રેડ દરિયાન હાજર મળી આવ્યા ન હતા. આથી આરોપીના નામ સાથે લખતર પોલીસમાં ફરિયાદ નોંધી હતી.જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂ અને જુગારની બદીઓને ડામવા સૂચના આપવામાં આવી છે. ત્યારે લખતર પીએસઆઇ એન.એ. ડાભીની આગેવાનીમાં પોલીસનાં નરેન્દ્રસિંહ કાસેલા, જયદીપસિંહ સહિતની ટીમ લખતર હાઇવે ઉપર ચેકિંગમાં હતી.આ દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, તલવણીનાં ધર્મેન્દ્રસિંહ ભીખુભા રાણાએ પોતાના કબ્જાનાં ભોગવટાવાળા મકાનમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલો છે. આથી લખતર પોલીસની ટીમે ત્યાં રેડ કરી હતી. આ દરમિયાન આરોપી હાજર મળી આવ્યા ન હતા. પરંતુ ત્યાંથી રૂ. 4500ની કિંમતના 45 નંગ બીયરના ટીન તેમજ રૂ. 10,090ની કિંમતની 30 દારૂની બોટલ મળી કુલ રૂ.14590નો મુદ્દામાલ મળી આવ્યો હતો.આ મુદામાલ પોલીસે કબ્જે કરી હાજર નહિ મળી આવેલા આરોપી સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.