રાજુલાના ચાંચબંદર અને ખેરા ગામના ગ્રામજનોએ GHCL કંપની સામે વિરોધ નોંધાવ્યો..

સ્થાનિક અગરીયાઓને પુરતા પ્રમાણમાં ભાવ નહીં મળતા ભારે રોષ

રાજુલામાં જી.એચ.સી.એલ કંપની સામે વિરોધ જોવા મળ્યો હતો. રાજુલા તાલુકાના ચાંચબંદર અને ખેરા ગામના ગ્રામજનોએ જી.એચ.સી.એલ કંપની સામે વિરોધ નોંધવામાં આવ્યો હતો. જી.એચ.સી.એલ કંપની દ્વારા સ્થાનિક મીઠાના અગરીયાઓને પુરતા પ્રમાણમાં ભાવ ન આપતા ભારે રોષ વ્યક્ત કર્યો હતો. અને આ બાબતે ખેરા ગામ નજીક આવેલ સિકોતર માતાજીના મંદિર ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ ચાંચબંદર તથા ખેરા ગામ ગ્રામજનોએ જી.એચ.સી.એલ કંપનીના ૨ અને ૪ યુનિટ ખાતે પહોંચી સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. મળતી માહિતી મુજબ ચાંચબંદર અને ખેરા ગામની જમીન ઉપર સરકાર પાસેથી લીજ ઉપર લઇ આ જી.એચ.સી.એલ કંપની દ્વારા વર્ષોથી ઉત્પાદન કરે છે. અને છેલ્લા ઘણા વર્ષોથી નિયમિત રીતે ચાલે છે. ત્યારે સ્થાનિક અગરિયાઓને કંપની દ્વારા પૂરતા પ્રમાણમાં ભાવ ન આપતા ભારે રોષ સાથે વિરોધ નોંધાવ્યો હતો. અને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયાં હતા. આ સાથે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.આર.છોવાળા સહિત પોલીસ સ્ટાફ સાથે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જ્યાં સુધી કંપની દ્વારા પૂરતા પ્રમાણમાં ભાવ નહીં આપે ત્યાં સુધી ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવશે. આ બાબતે ચાંચ બંદર ગામના પૂર્વ સરપંચ કાનજીભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, અમારા ચાંચબંદર ગામ અને ખેરા ગામ આસપાસ જી.એચ.સી. એલ કંપની દ્વારા મીઠાનું ઉત્પાદન કરવામાં આવે છે. અને જી. એચ.સી. એલ. કંપની ભાવનગર એરિયામાંથી ૧૦૦૮ ના ભાવથી ૦.૨૦ કેલ્સિયમ અને ૦.૧૦ મેગ્નેશિયમ વાળો માલ ખરીદી કરે છે તેમનું ભાડું પણ રાજુલા વિસ્તારમાંથી રૂપિયા ૨૫૦ જેટલું થાય છે. અને કુલ ૧૨૫૮ ના મીઠાની ખરીદી કરે છે તેવી જ કવોલીટીનો માલ અમારા નાના અગરિયાઓ પાસેથી ૭૭૫ માં ખરીદવા માંગે છે. જેથી અહીંના સ્થાનિક અગરિયાઓ સાથે જી.એચ.સી.એલ કંપની દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે જેથી કંપની દ્વારા પૂરતા પ્રમાણમાં ભાવ ન મળતાં મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઇને વિરોધ કર્યો હતો. જ્યાં સુધી કંપની દ્વારા પૂરતો ભાવ આપવામાં નહીં આવે ત્યાં સુધી જી.એચ.સી. એલ કંપની સામે વિરોધ શરૂ રેહશે. વહેલી તકે કંપની દ્વારા અગરીયાઓની માંગ સ્વીકારવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી હતી..

વીરજી શિયાળ