રાજ્યના ડીજીપીના આદેશ અનુસાર સમગ્ર રાજ્યમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી ચાલી રહી છે. આ અંતર્ગત ડીસામાં નગરપાલિકા અને પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે.

માથાભારે શખ્સ નટવર ઠાકોર ઉર્ફે ચકા ઠાકોરની પોસ્ટ ઓફિસ પાસે આવેલી ઓફિસનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. નગરપાલિકાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી માપણી કરી હતી. બે દિવસ પહેલાં જ પોલીસે ચકા ઠાકોરના ઘરે દરોડો પાડ્યો હતો. જ્યાંથી હથિયારોનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

આ કાર્યવાહીથી ડીસાના અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. શહેરના નાગરિકોએ પોલીસ અને નગરપાલિકાની કામગીરીને આવકારી છે. તેમણે આવી કાર્યવાહી નિયમિત ધોરણે ચાલુ રાખવાની માંગણી કરી છે.

બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ લોકોને અપીલ કરી છે કે, અસામાજિક તત્વોથી પીડિત નાગરિકો નિ:સંકોચ પોલીસનો સંપર્ક કરે. પોલીસ અને વહીવટી તંત્રની આ કાર્યવાહીથી લોકોમાં વિશ્વાસ જાગ્યો છે કે શહેરને અસામાજિક તત્વોથી મુક્ત કરી શકાશે.