ભાભર તાલુકાના રૂનીમાં દેરીયાવાળ પ્રાથમિક શાળામાં ધો. 3 માં અભ્યાસ કરતાં વિધાર્થીને અક્ષર સારા ન આવતાં હોઇ શાળાના આચાર્યએ સપ્તાહ અગાઉ મારમાર્યો હતો. જેમાં બાળકને ઇજા થતાં હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે. દરમિયાન શુક્રવારે બાળકના પિતાએ આચાર્ય સામે ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ભાભર તાલુકાના રૂની ગામે દેરિયાવાળા પ્રાથમિક શાળામાં ગામના બળવંતજી ભુદરજી ઠાકોરનો પુત્ર પ્રિન્સ ધો. 3 માં અભ્યાસ કરે છે. જે શનિવારે શાળામાં ગયો હતો. ત્યારે આચાર્ય ગાંધીનગર જિલ્લાના પેથાપુરના ચિંતનભાઇ મણીલાલ ચૌધરી રૂમમાં આવ્યા હતા. અને તારા અક્ષરો સારા આવતા નથી તેમ કહી પ્રિન્સને વાંકો વાળી કમરના પાછળના ભાગે સોટીઓ મારી હતી તેમજ ગાલના ભાગે થપ્પડો મારતાં પ્રિન્સને ઇજા થઇ હતી. જે સીધો ચાલી પણ શકતો ન હતો. કમરના ભાગે માર વાગ્યો હોવાથી પેશાબ પણ થતો ન હતો. દરમિયાન પેશાબમાં લોહી નીકળતાં તેના પિતાએ ભાભરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો અને સાત દિવસ પછી શુક્રવારે બળવંતજી ઠાકોરે શાળાના આચાર્ય ચિંતન ચૌધરી સામે ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે બળવંતજી ઠાકોરે જણાવ્યું છે કે, તા. 2 ડિસેમ્બરના દિવસે સાંજે ઘરે આવ્યો ત્યારે પુત્ર પ્રિન્સ કમરથી વળી ગયેલી હાલતમાં ચાલતો હતો. તેને પુછતાં શાળાના આચાર્યએ મારમાર્યો હોવાનું કહ્યુ હતુ. આથી આચાર્યને ફોન કરતાં તેમણે કહ્યુ હતુ કે, અક્ષરો સારા ન આવતા હોવાથી મારમાર્યો છે. તે વખતે આચાર્ય સામે ફરિયાદ નોંધાવવા જતો હતો. પરંતુ સમાજના લોકો સમજાવીને પરત લઇ ગયા હતા. જોકે, 3 તારીખે પુત્રની તબિયત કથળતાં શુક્રવારે આચાર્ય સામે ફરિયાદ નોંધાવી છે.
આ અંગે શાળાના આચાર્ય ચિંતન ચૌધરીએ જણાવ્યું હતું કે, બાળકને માર મારવાની ઘટના શાળામાં બની જ નથી. એસ. એમ. સી. કમિટિ પણ એમ જ કહી રહી છે. ઘટના ક્યાં અને કેવી રીતે બની તેનો મને જરા પણ ખ્યાલ નથી. બાળક ઉપર મે કોઇપણ જાતનો અત્યાચાર કર્યો નથી. કઈ રીતે અને કોના કારણે આ બધું થઈ રહ્યું છે આ બાબતે અમે બિલકુલ અજ્ઞાન છીએ. મને કાયદા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. આજ નહી તો કાલે મને જરૂર ન્યાય મળશે.
આ અંગે ભાભર પોલીસ મથકના અધિકારીએ જણાવ્યું હતું કે, આચાર્ય સામે ભારતીય આચાર સંહિતાની કલમ 115 (2) મુજબ એન.સી. ગૂનો દાખલ કરાયો છે. જેમાં કોર્ટની પરમીશન મેળવ્યા બાદ આચાર્ય સામે તપાસ હાથ ધરવામાં આવશે.