બનાસકાંઠા જીલ્લાના અંતરીયાળ વિસ્તારની શાળામાં એક પછી એક વિવાદ બહાર આવતાં જાય છે. શિક્ષકોની કરતૂતોને લીધે અભ્યાસ અસર પડી રહી છે. થોડા દિવસ અગાઉ જોધસર પ્રા. શાળામાં દારૂ પીને આવતાં 2 શિક્ષકોને સસ્પેન્ડ કર્યાં હતા. જે બાદ દાંતા તાલુકાના ધામણવા ગામની શાળામાં સોમવારે 2 શિક્ષકો ન આવતાં બાળકોએ જાતે અભ્યાસ શરૂ કરી દીધો હતો.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

આ દરમિયાન એક જાગૃત નાગરીકે વિડીયો ઉતારતાં સમગ્ર ઘટના બહાર આવી હતી. વિડીયો વાયરલ થયા બાદ શિક્ષણ તંત્ર દોડતું થયું છે. અને ગુલ્લીબાજ શિક્ષકો સામે તપાસ હાથ ધરાઇ છે. ધો. 1 થી 5 માં 125 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 2 શિક્ષકો છે અને એ પણ ગુલ્લીબાજ.

ધામણવા ગામની શાળામાં શિક્ષકો ચાલુ ફરજે ગુલ્લી મારતાં હોવાનો વિડીયો વાયરલ થયો છે. ગામના જાગૃત નાગરિક કરણભાઇ સોમવારે સ્કૂલમાં ગયા હતા. જ્યાં 55 સેકન્ડનો વિડીયો ઉતાર્યો હતો. જેમાં બાળકો જણાવી રહ્યા છે કે, આજે શિક્ષક આવ્યા નથી. અમે જાતે જ અભ્યાસ કરી રહ્યા છીએ. આ વિડીયો વાયરલ થયા પછી શિક્ષણ વિભાગ દ્વારા ગુલ્લીબાજ શિક્ષકો સામે પગલાં ભરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.

વાયરલ થયેલા વિડીયોનો સંવાદ

જાગૃત નાગરિક : આજે સાહેબ આવ્યા છે કે નહી

બાળકો : નહી આવ્યા

જાગૃત નાગરિક : હાલ કેટલા વાગ્યા છે

બાળકો : દોઢ વાગ્યો છે.

જાગૃત નાગરિક : આજે કઇ તારીખ છે

બાળકો : 26

જાગૃત નાગરિક : તમને કોણ ભણાવે છે

બાળકો : કોઇ નહી

જાગૃત નાગરિક : તો શુ કરો છો

બાળકો : જાતે જ ભણીએ છીએ.

જાગૃત નાગરિક : સારૂ ભણો તારે

આ અંગે બી.આર.સી. કો-ઓર્ડીનેટર દાંતાના ઇન્દ્રસિંહે જણાવ્યું હતું કે, 'દાંતાની ધામણવા પ્રા. શાળામાં ધો. 1 થી 5 માં 2 શિક્ષકોનું મહેકમ છે. વાયરલ વિડીયોના સંદર્ભે સોમવારે ગામની રૂબરૂ મુલાકાત લેતાં મધ્યાહન ભોજન પછી સ્કૂલ બંધ હતી. શાળાના આચાર્ય હાજર ન હતા. જ્યારે શાળાની શિક્ષિકા રજા ઉપર હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગેનો તપાસ અહેવાલ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને મોકલી અપાયો છે.' 

આ અંગે બનાસકાંઠાના જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. વી. એમ. પટેલે જણાવ્યું હતું કે, 'ધામણવા પ્રાથમિક શાળાના વાયરલ વિડીયો અંગે દાંતા બી.આર.સી. કો-ઓર્ડીનેટર-બીટ કેળવણી નિરીક્ષકને તપાસ સોંપવામાં આવી છે. તેમના અહેવાલના અભ્યાસ બાદ કસૂરવાર શિક્ષકો સામે પગલાં ભરવામાં આવશે.'