કાલોલ નગરપાલિકાની મુદત ગત વર્ષે ફેબ્રુઆરી માસમાં પૂરી થઈ ગયેલ છે અને હાલમાં વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે. ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગાંધીનગર ખાતેથી ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કાલોલ નગરપાલિકાના સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણીનું જાહેરનામું તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. કાલોલ નગરપાલિકાના કુલ સાત વોર્ડમાં ૨૮ સભ્યો જેમાં ૧૪ મહિલાઓ માટેની બેઠકો રાખવામાં આવેલ છે. પછાત વર્ગ માટે ૨૭% ની અનામતની જોગવાઈ રાખવામાં આવી છે જે મુજબ પછાત વર્ગ માટે આઠ બેઠકો અનામત રાખવામાં આવેલ છે. તેમજ અનુસૂચિત જાતિ માટે બે બેઠકો અને અનુસૂચિત આદિજાતિ માટે એક બેઠક અનામત રાખવામાં આવેલ છે. દરેક વોર્ડ ની સરેરાશ વસ્તી ૪૫૨૨ ની ગણવામાં આવી છે. ચાલુ વર્ષ ના અંતમાં ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ થાય તેવી પ્રબળ શક્યતાઓ જણાતા કાલોલ નગરપાલિકામાં ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોમાં આનંદ લાગણી આપી ગઈ છે તેમજ ટિકિટ વાંછુકો પોતપોતાની રીતે પોતાનું લોબિંગ પણ શરૂ કરી દીધું હોવાની ચર્ચાઓ જામી રહી છે.