ભુજ ખાતે વિવિધ મહિલા મંડળ અને મહિલા સંસ્થાઓ સાથે સંવાદ સાધીને વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યએ કહ્યું કે, મહિલાઓ પોતાના હક્ક માટે કાયદાનો ઉપયોગ કરવા જાગૃત બને તે જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપીને અનેક કાયદા અને યોજના બનાવવામાં આવી છે ત્યારે મહિલાઓ પોતાના હક્ક માટે કાયદાનો ઉપયોગ કરવા જાગૃત બને તેવી અપીલ કરી હતી.

ભુજ ખાતે યોજાયેલા મહિલા સંવાદ કાર્યક્રમમાં હર ઘર તિરંગા અભિયાનને લઈને વિવિધ મહિલા મંડળની બહેનોએ પોતાના પ્રતિભાવ આપીને દેશની નવી પેઢીમાં રાષ્ટ્રભાવના જગાવવાની માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની નવતર પહેલને વધાવી લીધી હતી. આ તકે વિધાનસભા અધ્યક્ષા એ મહિલાઓને જણાવ્યું હતું કે, વડાપ્રધાન મહિલાઓને સશક્ત કરવા કટ્ટીબદ્ધ છે. મહિલાઓને રોજગારી ,તાલીમ, માર્કેટિંગ અને પ્લેટફોર્મ મળી રહે તે માટે તેમણે વિવિધ યોજનાઓ અમલી કરી છે ત્યારે આ યોજનાઓનો મહિલાઓ મહત્તમ લાભ લે અને તેનો પ્રચાર પ્રસાર કરે તેવો અનુરોધ કર્યો હતો .

      

આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, આપણી આઝાદી માટે અનેક સપૂતોએ બલિદાન આપ્યા છે ત્યારે આપણે મળેલી આ મહામૂલી આઝાદીના 75 વર્ષની ઉજવણી આવનારી પેઢીને પણ યાદ રહે તે રીતે તેમાં સૌ સહભાગી બનીએ . નવી પેઢીને દેશના ઇતિહાસ ,લોકશાહીનું મહત્વ અને અનેક લોકોએ આપેલી શહાદત વિશે જાણકારી મળે તે આ અભિયાનનો મુખ્ય હેતુ છે. આ ટાંકણે તેમણે ફ્લેગ કોડ વિશે પણ મહિલાઓને માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ રેશમાબેન ઝવેરી તથા કાઉન્સિલરો બિંદીયાબેન ઠક્કર, રશ્મિબેન સોલંકી ,મનિષાબેન સોલંકી, રસીલાબેન પંડ્યા, રીટાબેન ભીલ, રેખાબેન ગુંસાઈ, ક્રિષ્નાબા જાડેજા, નસીમાબેન પઠાણ ,નુસરત લાહેજી, દીનાબા ઝાલા, હેમાબેન ભાનુશાલી અને હેમાબેન સીજુ સહિત વિવિધ મહિલા મંડળની બહેનો ઉપસ્થિત રહીને હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા સંકલ્પ લીધો હતો.