દાંતીવાડાના મોટી ભાખરનો શખસ ચોડુંગરી ગામમાં સાસરીમાં દૂર છાપરામાં રહેતો હતો. ત્યારે શુક્રવારે રાત્રે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થતાં રાત્રે પતિએ પત્નીને કુહાડીના ઘા મારી હત્યા કરી નાસી ગયો હતો. જ્યારે સવારે પિતા દીકરીને જગાડવા છાપરે ગયા ત્યારે દીકરી ખાટલામાં લોહીલુહાણ હાલતમાં પડી હતી. પિતાએ જણાવ્યું હતું કે, જમાઈ દીકરી પર વહેમ રાખી મારપીટ કરતો હતો.

ડીસાના ભડથના રહેવાસી અને દાંતીવાડાના ચોડુંગરીમાં રહેતા ભુરસિંહ દાડમસિંહ વાઘેલાની દીકરી વેલબાનાં લગ્ન 15 વર્ષ પહેલા દાંતીવાડાના મોટી ભાખરના સુરપાલસિંહ ભલસિંહ વાઘેલા સાથે કર્યા હતા. જેમને સંતાનમાં એક દીકરો અને બે દીકરીઓ છે. ત્યારે સુરપાલસિંહ પત્ની વેલબા ઉપર શક-વહેમ રાખી ઝઘડા કરતો હતો. ત્યારે છ માસ અગાઉ વેલબા સંતાન સાથે પિતાના ઘરે આવતા રહ્યા હતા. ત્યારે તેનો પતિ સુરપાલસિંહ પણ આવતાં તેમને સસરા ભુરસિંહએ ઘરથી થોડેક દૂર છાપરું બનાવી આપતા રહેતા હતા. ત્યારે શુક્રવારે સાંજે સુરપાલસિંહએ વેલબા સાથે ઝઘડો કરી માર મારવાની કોશિષ કરતા સાસરીયાઓ સમજાવ્યા હતા.

જ્યારે મોડી રાત્રે સુરપાલસિંહએ પત્ની વેલબાના માથામાં તેમજ મોંઢાના ભાગે કુહાડીના ઘા મારી હત્યા કરી ફરાર થઇ ગયો હતો અને શનિવારે સવારે પિતા ભુરસિંહ દીકરીને જગાડવા છાપરે ગયા ત્યારે દીકરી વેલબા ખાટલામાં લોહીલુહાણ હાલતમાં પડી હતી. ભુરસિંહ વાઘેલાએ હત્યારા જમાઇ સુરપાલસિંહ ભલસિંહ વાઘેલા સામે દાંતીવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.