ગુજરાતમાં “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪” અભિયાન તા. ૧૭ સપ્ટેમ્બરથી શરૂ થઈને ૩૧મી ઓક્ટોબર સુધી જનભાગીદારી સાથે યોજાનાર છે. ત્યારે સુરેન્દ્રનગર – દૂધરેજ - વઢવાણ નગરપાલિકા અને જિલ્લા આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે “ સ્વચ્છતા હી સેવા - ૨૦૨૪ “ પખવાડિયા અંતર્ગત “સફાઈમિત્ર સુરક્ષા શિબિર (અંત્યોદય દિવસ)“ થીમ અન્વયે સફાઈ કર્મચારીઓને પી.પી.ઈ. કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.સ્વચ્છતા મિત્ર એવા સફાઈ કર્મયોગીઓ, સફાઈ વાહકોની સુરક્ષા અને આરોગ્યની દરકાર લઈ સફાઈ કર્મીઓ માટે મેડીકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય શાખાની ટીમ દ્વારા દરેક સફાઈ કર્મચારીઓના આરોગ્યલક્ષી મેડીકલ હેલ્થ ચેકઅપ કરાયું હતું. આ કેમ્પમાં સુરેન્દ્રનગર – દૂધરેજ - વઢવાણ નગરપાલિકા વિસ્તારને સ્વચ્છ અને ચોખ્ખું રાખતા સફાઈ કર્મચારીઓના આરોગ્યને રક્ષણ આપવા માટે માસ્ક, હાથ-મોજા, એપ્રોન, સાબુ, નેપકીન, હેન્ડવોશ, ગમબુટ વગેરે જેવા સાધનોની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાન અન્વયે સ્વચ્છતા અંગે જન જાગૃતિ કેળવાય અને જિલ્લામાં સ્વચ્છતાને પ્રાથમિકતા આપી કાયમી જળવાય રહે તે માટે જુદા જુદા દિવસોમાં સ્વચ્છતા અભિયાન અર્થે લોક જાગૃતિ કાર્યક્રમો, સફાઈ મિત્રો સન્માન, શિબિરો, વોલ પેઇન્ટિંગ સહિતનાં કાર્યક્રમોથી લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.