બનાસકાંઠામાંથી હત્યા અને આત્મહત્યાની ઘટના સામે આવી છે..
જ્યાં ઘરકંકાસમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં પિત્તો ગુમાવી ચુકેલા પતિએ પુત્રવધૂની સામે જ બોથડ પદાર્થ પત્નીને માથાના ભાગે માર્યો હતો. જેમાં પત્નીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ હતી. જોકે, જ્યાં તેનું મોત થતાં પસ્તાયેલા પતિએ પણ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. હાલ આ મામલે ધાનેરા પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે..
ધાનેરાના રવિ ગામે ભરથરી સમાજના દંપતીનો સામાન્ય ઝઘડો તેમને 45 વર્ષે મોત સુધી લઇ ગયો છે. રવિ ગામના શંકર દેવજીભાઇ ભરથરીના લગ્ન મંજુલાબેન જોડે થયા હતા. જેમને બે દીકરીઓ અને બે દીકરા એમ ચાર સંતાનો છે. શુક્રવારે શંકરભાઇ, મંજુલાબેન અને તેમના એક પુત્રની પત્ની ઘરે હાજર હતા. ત્યારે શંકરભાઇ અને મંજુલાબેન વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાઇને શંકરભાઇએ મંજુલાબેનને માથાના ભાગે બોથડ પદાર્થ મારતાં તેઓ ઢળી પડ્યા હતા.
આ ઘટના પુત્રવધુએ નજરે જોતા તેણે ગભરાઇને તેના પતિને ફોન કરીને કહ્યું હતું કે, પપ્પાએ મમ્મીને માર્યું છે અને તેઓ લોહીલુહાણ હાલતમાં બેભાન થઇ ગયા છે. સમાચાર મળતાં જ તેમનો પુત્ર તુરંત દોડી આવ્યો હતો અને તાબડતોડ મંજૂલાબેનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
પત્નીના મોતના સમાચાર મળતાં જ પસ્તાયેલા શંકરભાઇએ ગામના તળાવની પાળે ગળફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. જેની જાણ ગામના સરપંતે શંકરભાઇના પુત્રને ફોન કરીને કરી હતી. આ સમગ્ર મામલે મંજુલાના મૃતદેહને પાથાવાડા રેફરલ અને શંકરભાઇના મૃતદેહને ધાનેરા રેફરલ પી.એમ અર્થે ખસેડાયા છે. આ સમગ્ર મામલે ધાનેરા પોલીસે વધું તપાસ હાથ ધરી છે.
તાજેતરમાં જ અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલા ઇડન-V ફ્લેટમાં ચોથા માળે આગ લાગવાની ઘટના બની હતી. જેમાં પતિ-પત્નીના ઝઘડામાં એકબીજાને છરીથી ઘા માર્યા હતા. જેમાં પત્નીનું મોત થયું હતું. ત્યારબાદ પતિએ ઘરમાં આગ લગાડી હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનામાં બે માસૂમોએ માતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.