ડીસા તાલુકાના કુંપટ ગામેથી અપહૃત બે સગીર બાળાઓને ડીસા દક્ષિણ પોલીસે ગણતરીના કલાકોમાં જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાથી શોધી કાઢી હતી. બાળાઓના અપહરણ થયા હતા કે ગુમ થઈ હતી તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.

ડીસા તાલુકાના કુંપટ ગામેથી બે સગીરવયની બાળાઓ તારીખ 18 સપ્ટેમ્બરના રોજ મોડી સાંજે ગુમ થઈ હોવાની જાણ તેઓના પરિવારજનોને થતાં તેઓએ તાત્કાલિક ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજીમાં મોટાભાગનો પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં વ્યસ્ત હોઇ બંને બાળાઓને શોધવાની તપાસ ડીસા દક્ષિણ પી.આઇ. કે.બી.દેસાઇને સોંપવામાં આવી હતી.

જેથી તેઓએ ઓછા પોલીસ સ્ટાફ વચ્ચે પણ હ્યુમન સોર્સ લગાવી તેમજ ટેકનિકલ સર્વે અને સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ હાથ ધરતા બંને બાળાઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાથી મળી આવી હતી.

આ અંગે ડીસા દક્ષિણ પી.આઇ. કે.બી.દેસાઇએ જણાવ્યું હતું કે, આ બંને બાળાઓનું અપહરણ થયું કે ઘરેથી કેમ નીકળી ગઈ તે અંગે તપાસ ચાલી રહી છે. જોકે બંને બાળાઓ સગીર હોઇ તે કોઈ ખોટા હાથમાં જાય તે અગાઉ જ આટલી દૂરથી તેઓને તાત્કાલિક શોધી લેવામાં પોલીસને સફળતા મળી છે.