ડીસાના બટાકાના વેપારી પાસેથી માલ લઇ કલોલના વેપારીએ રૂ. 8.89 લાખનું પેમેન્ટ ન ચૂકવતાં તે પેટે આપેલો ચેક રીટર્ન થતાં ડીસાની એડીશનલ ચીફ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટે કલોલના વેપારીને એક વર્ષની કેદની સજા અને રૂ. 8.89 લાખ વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે.
આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના ડાવસ ગામના વતની અને રાણપુર રોડ પર ખોડીયાર પાર્કની સામે અર્બુદા ટ્રેડીંગ નામની દુકાન ધરાવનાર કનૈયાલાલ હંજારીલાલ પરમાર (માળી) બટાકાનો વેપાર કરે છે. જેઓની પાસેથી મૂળ જૂનાડીસાના વતની અને હાલમાં કલોલની કલ્યાણપુર એ.પી.એમ.સી.માં દુકાન નં. 16 માં ભોલેનાથ આલુ ભંડારના નામથી બટાકાનો વેપાર કરતાં હીતેશભાઇ ઉર્ફે મુકેશભાઇ ગંગારામભાઇ પઢિયાર (માળી) બટાકા ખરીદતા હતા. બંને વેપારીઓ એક જ સમાજના હોવાથી તેઓ વચ્ચે સારા વેપારી સબંધો સ્થપાયા હતા અને માલના રૂપિયા સમયસર ચૂકવતા હતા.
જોકે, તા. 25/09/2020 થી તા. 12/01/2021 દરમિયાન કનૈયાલાલે બટાકાની ગાડીઓ ભરાવી હતી. જેના બીલ પેટે રૂ. 8,89,000 નું બીલ બાકી હોવાથી કનૈયાલાલે ઉઘરાણી કરતાં હીતેશભાઇએ બેંક ઓફ બરોડા છત્રાલ શાખાનો ચેક આપ્યો હતો.
જે ચેક તેઓએ બેંકમાં નાખતાં "પેમેન્ટ સ્ટોપ બાય ડ્રોવર"ના શેરા સાથે તા. 23/02/2021 ના રોજ પરત આવ્યો હતો. જેથી કનૈયાલાલે તેમના વકીલ મારફત નોટીસ મોકલી હતી પરંતુ તેનો કોઇ જવાબ કે રૂપિયા ન ચૂકવી હીતેશભાઇનો ઇરાદો કનૈયાલાલને છેતરવાનો હોવાનું સાબિત થયું હતું. જેથી તેઓએ ડીસા કોર્ટમાં ચેક રીટર્ન અંગેનો કેસ દાખલ કર્યો હતો.
જે કેસ ચાલી જતાં ડીસા કોર્ટના એડીશનલ ચીફ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ યોગેશભાઇ એન.પટેલે ફરિયાદી પક્ષના વકીલ પી.સી. સુંદેશાની દલીલોને ગ્રાહ્ય રાખી હતી અને આરોપી હીતેશભાઇ ઉર્ફે મુકેશભાઇ ગંગારામભાઇ પઢિયારને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 ના ગુના માટે એક વર્ષની સાદી કેદની સજા અને હુકમની તારીખથી 30 દિવસમાં ફરિયાદીને ચેકની રકમ ચૂકવી દેવાનો આદેશ કર્યો હતો. જો આરોપી ચેકની રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસની સાદી કેદ ભોગવવાનો પણ હુકમ કર્યો હતો.