ડીસા નગરપાલિકામાં ટીપી સમિતિની રચના બાદ છ મહિના બાદ મળેલી પ્રથમ બેઠકમાં જ ચેરમેન સિવાય તમામ સભ્યોએ બહિષ્કાર કરી ગેરહાજર રહ્યા હતા. જ્યારે બબ્બે વખત રદ થયેલી ટીપી મુકવવામાં કેટલાક બિલ્ડરો અને નેતાઓને જ રસ હોવાનો આક્ષેપ કરી ખેડૂતોએ પાલિકામાં હલ્લાબોલ મચાવ્યો હતો અને જો આ ટીપી અમલમાં મૂકવામાં આવશે. તો 150 જેટલા ખેડૂતો આત્મહત્યા કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
ડીસા નગરપાલિકા વિસ્તારમાં પાલનપુર હાઇવે થઈ ગણેશપુરા વિસ્તાર અને અજાપુરાની હદ સુધી 500 વીઘાથી વધુ જમીનમાં શહેરની પ્રથમ ટાઉન પ્લાનિંગ સ્કીમ મૂકવાનો વિવાદ છેલ્લા દસ વર્ષથી અદ્ધરતાલ રહ્યો છે. આ ટીપી સ્કીમ મુકાતા ખેડૂતોનું અહીત થતું હોવાનું તેમજ અહીં સસ્તા ભાવે કેટલાક બિલ્ડરો અને નેતાઓએ લીધેલી પોતાની જમીનમાં કરોડો રૂપિયાનો ફાયદો કરતા હોવાના આક્ષેપ સાથે અગાઉ બે વખત આ ટીપી સ્કીમ રદ કરવામાં આવી હતી.
ત્યારબાદ ફરીથી ડીસા નગરપાલિકાની ચૂંટણી થયા બાદ અઢી વર્ષની બીજી ટર્મમાં નવીન ટીપી કમિટીની ગત ફેબ્રુઆરી માસમાં રચના કરવામાં આવી હતી. જેમાં ચેરમેન તરીકે ચેતન ત્રિવેદી સહિત છ સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી. આ ટીપી કમિટીની છ માસ બાદ આજે પ્રથમ બેઠક યોજવાનો એજન્ડા પાલિકા દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. જોકે આ ટીપી સ્કીમ મૂકવામાં આવે તો ખેડૂતોનું અહીત થતું હોવાથી ચેરમેન સિવાય તમામ પાંચ સભ્યો બેઠકનો બહિષ્કાર કરી ગેરહાજર રહ્યા હતા.
જેથી નોન કોરમ થયેલી ટીપી કમિટીની પ્રથમ બેઠક જ મુલતવી રાખવામાં આવી હતી. જોકે પાલિકામાં અગાઉ બબ્બે વખત રદ થયેલી ટીપી સ્કીમ બાબતે આજે ફરીથી બેઠકમાં ચર્ચ થનાર હોવાથી મોટી સંખ્યામાં આ વિસ્તારના ખેડૂતો ઉપસ્થિત રહી ચીફ ઓફિસરની ચેમ્બરમાં જ ચીફ ઓફિસર, ટીપી કમિટીના ચેરમેન અને જુનિયર ટાઉન પ્લાનરની હાજરીમાં જ હલ્લાબોલ મચાવ્યો હતો.
ખેડૂતોએ રજૂઆત કરી હતી કે, આ ટીપી સ્કીમ મુકાતા 150 થી વધુ ખેડૂતો પાયમાલ થઈ જાય તેવી સ્થિતિમાં હોવાથી અગાઉ બબ્બે વખત આ સ્કીમ પડતી મુકાઈ હતી. તેમ છતાં ફરીથી ડીસાના હાલના ધારાસભ્યના ઇશારે તેમના સંબંધીઓ તેમજ કેટલાક બિલ્ડરોને ફાયદો કરાવી ખેડૂતોનું રીતસરનું અહીત કરી આ ટીપી સ્કીમ ફરીથી લાગુ કરવાનું કાવતરું રચાયું હોવાના આક્ષેપ કર્યા હતા. તેમજ જો આ ટીપી સ્કીમ લાગુ થશે તો 150 થી વધુ ખેડૂતો આત્મહત્યા કરી લેશે તેવી ખુલ્લી ચીમકી આપી હતી.
ગેરહાજર રહેનાર સભ્યો
અમિત રાજગોર જીગ્નેશ જોષી છાયાબેન નાઈ શિલ્પાબેન માળી ચંદ્રિકાબેન રાણા
ડીસા નગરપાલિકા વિસ્તારમાં લાગુ થનારી પ્રથમ ટીપી સ્કીમ કોઈપણ પ્રકારના આયોજન વગર અને ખેડૂતોનું અહીત થાય તે રીતે તેમજ માત્ર કેટલાક બિલ્ડરો અને નેતાઓના સંબંધીઓને જ ફાયદો થાય તે પ્રમાણેની હોવાથી ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ પણ પોતાના કાર્યકાળ દરમિયાન આ ટીપી સ્કીમનો વિરોધ કરી તેને રદ કરાવી હતી.
ટીપી કમિટીની પ્રથમ બેઠક હતી જેમાં ચેરમેન તેમજ સરકારી સભ્યો એટલે કે પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર અને ટાઉન પ્લાનર હાજર રહ્યા હતા આ સિવાયના સભ્યો અલગ અલગ કારણ દર્શાવી ગેરહાજર રહ્યા હતા.
ટીપી સ્કીમ લાગુ કરતા પહેલા તેની મંજૂરી મેળવવી પડે ત્યારબાદ ખેડૂતોના વાંધા સાંભળવા પડે તેમજ ખેડૂતોની મંજૂરી હોય તો જ ટીપી સ્કીમ લાગુ થાય.