વડગામ તાલુકાના છાપી પંથકમાં સાવકી માતાએ પરિણીત દીકરીને પોતાના પ્રેમી સાથે સંબંધ બાંધવા મજબુર કરી હતી. નવ માસ બાદ દુષ્કર્મનો ભોગ બનનાર પરિણીતાએ હિંમત દાખવી ગુરુવારે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
છાપી પંથકમાં મમત્વને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. પરિણીત દીકરીની માતાનું અવસાન થતાં પિતાએ બીજા લગ્ન કર્યા હતા. સાવકી માતાને અન્ય પુરૂષ સાથે અનૈતિક સબંધ હોવાના કારણે તે અનેકવાર રાત્રીના સમયે ઘરે આવતો હતો. પરિણીત દીકરી પિતાના ઘરે આવેલી હતી તે દરમિયાન રાત્રે એક થી દોઢ વાગ્યાના સમયે સાવકી માતાનો પ્રેમી આવી પરિણીતાને બાથરૂમ તરફ ખેંચી ગયો હતો. દરમિયાન સાવકી માતાએ
પરિણીત દીકરીને ચૂપ રહેવાનું કહી તે જેમ કહે તેમ કરવાનું કહી પિતાના ઘરે આવવાનું બંધ કરાવી દઈશ તેવી ધમકી ઉચ્ચારી હતી અને સાવકી માતાના પ્રેમી એ બેથી ત્રણ વાર દુષ્કર્મ કર્યું હતું. સમય જતાં છ માસ બાદ હોસ્પિટલમાં તપાસ કરતા ડોક્ટરે છ માસનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું. બાદમાં દુષ્કર્મનો ભોગ બનનાર પરિણીતાએ પાલનપુરમાં દીકરીને જન્મ આપ્યો હતો. જેથી સાવકી માતાએ ધમકી આપી કહ્યું હતું કે, તારે આ બાળક તારા પતિનું છે તેવું કહેવા જણાવ્યું હતું.
તાજેતરમાં દુષ્કર્મનો ભોગ બનેલી પરિણીતાએ આ સમગ્ર બાબતની જાણ તેના પતિ, સાસુને કરતા પરિવારે હિંમત આપી છાપી પોલીસ મથકે દુષ્કર્મ કરનાર મુસ્તાક સુલેમાન ગોગા (રહે.બસુ) તેમજ સાવકી માતા વિરુદ્ધ છાપી પોલીસ મથકે ગુરૂવારે ફરિયાદ નોંધાવી હતી. જેથી છાપી પી.એસ.આઇ. એચ.પી.દેસાઇએ વધુ તપાસ હાથ ધરી હતી.